રાજકોટની ફલાઈંગ સ્કવોડનો સપાટો કણજડી નજીક ઓઝત નદીમાં બાર્જ ઉતારી રેતી ચોરી કૌભાંડનો પર્દાફાશ : રૂા. ૧.ર૬ કરોડનો મુદામાલ જપ્ત

રાજકોટની ફલાઈંગ સ્કવોડનો સપાટો કણજડી નજીક ઓઝત નદીમાં બાર્જ ઉતારી રેતી ચોરી કૌભાંડનો પર્દાફાશ : રૂા. ૧.ર૬ કરોડનો મુદામાલ જપ્ત

જૂનાગઢ તા. ૯
જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં કણજડી નજીક ઓઝત નદીના પટમાંથી મોટાપાયે રેતી ચોરી કરવામાં આવતી હોવાની વ્યાપક ફરીયાદો તેમજ આધુનિક સાધનો સાથે રેતી ચોરી કૌભાંડ આચરવામાં આવતું હોવાની ચોકકસ બાતમીનાં આધારે રાજકોટની ફલાઈંગ સ્કવોડે ઓપરેશન હાથ ધર્યુ હતું જેમાં રેતી ચોરી કૌભાંડનો પર્દાફાશ કરી ૮ બાર્જ તેમજ બે મશીનરી સાથે હોડકા ઉપરાંત બે ટ્રક સહિત કુલ રૂા. ૧.ર૬ કરોડનો મુદામાલ જપ્ત કરી ૬ ખનીજ ચોરોને ઝડપી લેવામાં આવ્યા હતા તેમજ બે હજાર ટન રેતી કબ્જે કરી અધીકૃત લીઝ ધારકોને સોંપી દેવામાં આવી હતી. આ દરોડાનાં પગલે ગેરકાયદેસર ખનીજ ચોરી કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી થયો છે. 
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ જિલ્લામાં રેતમાફિયાઓ બેફામ બની કુદરતી સંપદાઓનો કચ્ચરઘાણ કાઢી રહ્યા હોય રાજકોટ ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે વંથલી નજીક રાત્રિના અંધકારમાં નદીમાં હોડકા અને બાર્જ ઉતારી કરવામાં આવતી ખનીજ ચોરી ઝડપી લઈ બે હોડકા, આઠ બાર્જ અને બે ડમ્પર સહિત સવા કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ૬ રેતમાફિયાઓને સકંજામાં લીધા હતા. બનાવ સ્થળેથી ખાણ ખનીજ વિભાગે ૨૦૦૦ ટન રેતી પણ કબજે કરી અધિકૃત લીઝ ધારકના કબજામાં સુરક્ષિત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બની રેતીની ખનીજચોરી કરતા હોવાની ફરિયાદ રાજકોટ ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડને મળતા જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજડી નજીક ઓઝત નદીનાં પટમાં વહેલી સવારે ૫ વાગ્યે દરોડો પાડવામાં આવતા ક્વોરી લીઝ વિસ્તારની બહાર નેશનલ હાઇવે પુલથી અંદાજિત ૩૫૦ મીટર અંદર નદીમાં મસમોટા બાર્જ ઉતારી રેતીચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.
બીજીતરફ નદીની વચ્ચોવચ્ચ રહેલા બાર્જ નદીના કાંઠે આવે ત્યાં સુધી અંદાજે ચારથી પાંચ કલાક સુધી ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે અંતરિયાળ વાડી વિસ્તારમાં છુપાઈ આઠે-આઠ બાર્જ તેમજ બે મશીનરી સાથેના હોડકા ઉપરાંત ૨ ટ્રક સહિત ૧.૨૬ કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે ૬ ખનીજચોરને ઝડપી લેવામાં આવ્યા હતા.બનાવ સ્થળેથી ૨૦૦૦ ટન રેતી કબજે કરી અધિકૃત લીઝ ધારકને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જૂનાગઢના વંથલી પંથકમાં નદીમાં થતી રેતીની ખનીજચોરી ઝડપી લેવા રાજકોટથી રવાના થયેલી ટીમને બાતમી મુજબ રેતીચોરીનું રેકેટ ઝડપી લેવા માટે રાતભર ફિલ્ડિંગ ભરવી પડી હતી. રાત્રિના અંધકારમાં વહેલી પરોઢે બાર્જ અને હોડકામાં રેતનું ડ્રેજિંગ શરૂ થયા બાદ ટીમે અંદાજે બેથી ત્રણ કિલોમીટર દૂર નદી કિનારા સુધી બાર્જમાં રેતી ભરાઈને લેન્ડિંગ પોઇન્ટ સુધી તમામ બાર્જ પહોંચે ત્યાં સુધી રાહ જાેવી પડી હતી. ખાસ કરીને અંતરિયાળ વિસ્તાર હોય રસ્તે છુપાઈ ખનીજ વિભાગે પગપાળા પહોંચી ખનીજ માફિયાઓને સવા કરોડના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.