આજે ઈસ્લામાબાદમાં યોજાનારી ઈરાન-અમેરીકા વાટાઘાટો અધ્ધરતાલ

આજે ઈસ્લામાબાદમાં યોજાનારી ઈરાન-અમેરીકા વાટાઘાટો અધ્ધરતાલ

(એજન્સી)  ઈસ્લામાબાદ તા.૧૦:
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે અઠવાડિયા માટે વિરામ આપવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કરી છે, પરંતુ, ઈઝરાયલ દ્વારા લેબનોન પર હુમલો ચાલુ રાખવામાં આવતા યુદ્ધવિરામ વચ્ચે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે બેઠક યોજાવાની હતી, પરંતુ હવે આ બેઠક મુલતવી રહેવાની શક્યતા છે.
ઈરાની અને અમેરિકાના પ્રતિનિધિમંડળો વચ્ચે ૧૧ એપ્રિલે પાકિસ્તાનમાં બેઠક યોજાવાની છે. પાકિસ્તાને આ બેઠક માટે સુરક્ષા વ્યવસ્થા શરૂ કરી દીધી છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ૩૦ સભ્યોની અમેરિકાની ટીમ ઈસ્લામાબાદ પહોંચી ગઈ છે. દરમિયાન, ઈઝરાયેલી સૈન્યનું કહેવું છે કે તેણે લેબનોનમાં હિઝબુલ્લાહ લોન્ચ સાઇટ્સ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે.
વાસ્તવમાં, યુદ્ધવિરામ પછી, પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે વાટાઘાટો થવાની હતી. જોકે, ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટો મુલતવી રાખી શકાય છે. ઈરાનની સરકારી તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર, જો ઈઝરાયલ લેબનોન પર હુમલા ચાલુ રાખે છે, તો ઈરાન શનિવારે ઈસ્લામાબાદમાં અમેરિકા સાથે યોજાનારી વાટાઘાટો મુલતવી રાખી શકે છે. આ ઘટનાક્રમથી ચિંતા વધી છે કે મધ્ય પૂર્વમાં તણાવ ઘટાડવા રાજદ્વારી પ્રયાસો પાટા પરથી ઉતરી શકે છે.