વડાપ્રધાનની 7 અપીલો સામે રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા : વિદેશનિતી પર સવાલ ઉઠાવ્યા
નવી દિલ્હી તા.11
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા જતા તણાવને ડામવા માટે વડાપ્રધાન દ્વારા રજૂ કરવામાં આવેલી ‘સાત અપીલો‘ (Seven Appeals) પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તીખી પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે જ્યારે વિશ્વના દેશો ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારત સરકાર માત્ર ઉપરછલ્લી વાતો કરી રહી છે અને જમીની વાસ્તવિકતાથી દૂર છે. તેમણે વડાપ્રધાનના આ સાત મુદ્દાઓને માત્ર પ્રચાર ગણાવ્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષની સીધી અસર ભારતના હિતો પર પડી રહી છે. ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ત્યાં વસતા લાખો ભારતીય કામદારોની સુરક્ષા માટે સરકાર પાસે કોઈ નક્કર રોડમેપ નથી. તેમણે વડાપ્રધાનની અપીલો સામે વળતા સવાલ કરતા પૂછ્યું હતું કે શું આ અપીલો દ્વારા યુદ્ધ અટકાવી શકાશે? તેમના મતે, ભારતની વિદેશ નીતિ અત્યારે નબળી સાબિત થઈ રહી છે અને સરકાર માત્ર આંતરરાષ્ટ્રીય મંચ પર દેખાડો કરી રહી છે.
રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું કે પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે ભારતે જે પ્રકારે મધ્યસ્થી કરવી જોઈએ અથવા સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ, તેમાં સરકાર નિષ્ફળ રહી છે.


