46.8 ડીગ્રી તાપમાન સાથે રાજસ્થાનનું બાડમેર સૌથી ગરમ શહેર : દેશના 9 શહેરોમાં તાપમાનનો પારો 44 ડીગ્રીને પાર
બાડમેર તા.11
રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં હીટવેવ જેવી સ્થિતિ છે. ચાર રાજ્યોના 9 શહેરોમાં પારો 44°C થી ઉપર રહ્યો. રાજસ્થાનનું બાડમેર 46.8°C સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. જેસલમેરમાં તાપમાન 46.3°C અને ફલોદીમાં 46°C પહોંચી ગયું.
મધ્ય પ્રદેશના રતલામમાં 45.5°C તાપમાન રહ્યું. ભોપાલમાં 40.4°C તાપમાનમાં 42°C જેવી દઝાડતી ગરમી અનુભવાઈ. હવામાન વિભાગ અનુસાર, 11 અને 12 મેના રોજ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધુ વધશે. ભોપાલમાં પારો 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આ તરફ, ગુજરાતના રાજકોટમાં 44.3°C અને અમરેલીમાં 44.1°C તાપમાનને કારણે હીટવેવ ચાલી. મહારાષ્ટ્રનું જલગાંવ 44.5 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું. બિહારમાં વાવાઝોડા-વરસાદનો દોર ચાલુ છે. અહીં કૈમુર જિલ્લામાં રવિવારે સૌથી વધુ તાપમાન 38.4°C રહ્યું.
ઉત્તરાખંડના ઘણા ભાગોમાં, ખાસ કરીને પહાડી વિસ્તારોમાં 12 અને 13 મેના રોજ વરસાદ અને ખરાબ હવામાનની સંભાવના છે. ગઢવાલ કમિશનરે આ દરમિયાન ચાર ધામ યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓને સાવચેતી રાખવા અને યાત્રા ટાળવા અપીલ કરી છે.


