સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પહેરેલા ટીશર્ટને લઈને આરોપી ઓળખાતા હાઈબ્રિડ ગાંજાના કેસમાં જૂનાગઢ પોલીસ ઓડીશા પહોંચી, બે આરોપીની ધરપકડ
(ક્રાઈમ રિપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૧
હાઈબ્રિડ ગાંજાના કેસમાં આરોપીને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન સોશ્યલ મિડીયા એકાઉન્ટમાં પહેરેલું ટીશર્ટ જાેઈ આરોપીની ઓળખાણ થતા જ પોલીસે પગેરૂ દબાવ્યું હતું અને જૂનાગઢથી બે હજાર કિમી દુર ઓડીશાથી બે આરોપીને ઝડપી લઈ તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ શહેરના ભવનાથ પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટની કલમના કેસમાં અમિત ઉર્ફે ચેમ્પિયનના નિવેદનમાં મુખ્ય બંને આરોપી ઓડીશાના કાલાહાંડી જિલ્લાના અલગ-અલગ ગામોમાં રહેતા હતા. પોલીસ દ્વારા જૂનાગઢથી આ ગામો ચેક કર્યા હતા જેમાં ૨૦૦૦ કિમીનું અંતર હતું. જરૂરી મંજૂરી લઈને પોલીસની સરકારી ગાડીમાં ગત બુધવારે બપોરે ૧૧ વાગ્યે ઓડીશા જવા નિકળ્યા. ૩ દિવસ પછી શનિવારે બપોરે પોલીસ કાફલો કાલાહાંડી પહોંચી ગયો હતો ત્યાંથી ૨૫ કિમી દુર નરલા ગામે જવાનું હતું. સરકારી ગાડી ત્યાંજ રાખી ભવાની પટનાની ખાનગી હોટલમાં રોકાયા હતા. ત્યાંથી બસ મારફત ગામડે રેકી કરવા ગયા હતા. અમે જે હોટલમાં રોકાયા હતા ત્યાં આરોપીના મામાના મિત્રો હતા તેમને અમારી ઓળખાણ પોલીસ તરીકે આપી હતી પણ તેને ખબર ન હતી કે અમે અમિતને પકડવા આવ્યા છીએ. બાદમાં બીજા દિવસે સરકારી ગાડી લઈ રાત્રે ૧૧ વાગ્યે નરલા ગામમાં પહોંચી ગયા હતા. ત્યાં એક હોટલમાં રૂમ રાખી સરકારી ગાડી જંગલમાં પાર્ક કરી હતી. અમને બાતમી મળી કે રેલવે સ્ટેશન પાસે આરોપી રહે છે. બીજા દિવસે બપોરે શંકાસ્પદ લાગતો વ્યક્તિ ટીશર્ટ પહેરીને નિકળ્યો અને અમારી પાસે જે ફોટો હતો એ જૂનો હતો. ત્યાં જ અમે આરોપીનું સોશ્યલ મીડીયા એકાઉન્ટ ચેક કર્યુ તેમાં સેમ ટીશર્ટ પહેરેલો હતો. લોકો એકઠા થઈ જાય તેવી બિક હોવાથી લોકલ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા ત્યાં પુછપરછ કરતા ત્યાંથી ઇન્દ્રમલ નામના ગામમાં બીજો આરોપી ટંકાધર શાહુ રહે છે એવી માહિતી મળતા ૩ ટીમ બનાવી તેને ઘરેથી ઝડપી લીધો હતો. જૂનાગઢ પોલીસની ટીમ દ્વારા વેશપલ્ટો કરી આરોપી અજયકુમાર ઉર્ફે ગોપીદાદા શામલા, ટંકાધર રામેશ્વર શાહુને પકડી પાડ્યા હતા. પોલીસે કોર્ટમાં રજુ કરતા ત્રણ દિવસનાં રિમાન્ડ મંજુર થયા હતા.


