૪.૧૯ કરોડની વસ્તી સાથે જાકાર્તા વિશ્વનું સૌથી મોટું શહેર
(એજન્સી) નવી દિલ્હી,તા.૨૮:
અહેવાલ મુજબ ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા હવે વિશ્વનું સૌથી મોટું શહેર બની ગયું છે, જેની વસ્તી આશરે ૪.ર કરોડ થઈ ગયો છે. આ ખિતાબ દાયકાઓથી જાપાનની રાજધાની,ટોક્યો પાસે હતો, પરંતુ હવે ટોક્યો ત્રીજા સ્થાને સરકી ગયું છે. બાંગ્લાદેશની રાજધાની, ઢાકા, બીજા સ્થાને છે, જ્યારે ભારતની રાજધાની, દિલ્હી, ટોચના ત્રણમાંથી બહાર નીકળી ગઈ છે.
આ પરિવર્તન ફક્ત સંખ્યાઓનો વિષય નથી. તે વૈશ્વિક શહેરીકરણની લહેરનો પુરાવો છે જે એશિયાને કેન્દ્ર સ્થાને લાવી રહી છે. આ અહેવાલમાં એવો અંદાજ છે કે ૨૦૨૫ સુધીમાં, વિશ્વની ૮.૨ અબજ વસ્તીમાંથી ૮૦ ટકા લોકો શહેરોમાં રહેશે - જે ૧૯૫૦ કરતા અનેક ગણી વધારે છે. મેગાસિટીઝ (૧ કરોડથી વધુ વસ્તીવાળા શહેરો) ની સંખ્યા ૧૯૭૫ માં ફક્ત ૮ હતી જે વધીને ૩૩ થઈ ગઈ છે, જેમાંથી ૧૯ એશિયામાં છે.


