જૂનાગઢમાં મનપાની બેદરકારીનાં કારણે નિર્દોષ શ્રમીક યુવાને જીવ ગુમાવ્યો !

જૂનાગઢમાં મનપાની બેદરકારીનાં કારણે નિર્દોષ શ્રમીક યુવાને જીવ ગુમાવ્યો !

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩૧
મહાનગરપાલિકાના વહીવટી ભ્રષ્ટાચાર અને લાપરવાહીએ વધુ એક નિર્દોષ યુવકનો ભોગ લીધો છે. કાગળો પર કોઈ અન્ય એજન્સીના નામે નિયમિતપણે બિલ મંજૂર કરાવતા મનપાના અધિકારીઓ દ્વારા ગ્રાઉન્ડ પર ગરીબ મજૂરોને સીધા બોલાવીને જાનના જોખમે કામ કરાવવામાં આવી રહ્યું છે, જેના કારણે એક ૨૦ વર્ષીય ઋષી વર્મા નામના શ્રમિક યુવકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢમાં વૃક્ષોની ડાળીઓ કાપવા માટે નિયમ મુજબ ટેન્ડર મંગાવીને એજન્સી નક્કી કરવામાં આવી છે અને તંત્ર દ્વારા તે જ એજન્સીના નામે સરકારી નાણાં અને બિલ પાસ કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતામાં એજન્સી પાસે કામ કરાવવાને બદલે મનપાના અધિકારીઓ મૌખિક રીતે સીધા મજૂરોને બોલાવીને જોખમી કામ કઢાવે છે. આ જ રીતે જૂનાગઢ આઈ.બી. (ઇન્ટેલિજન્સ બ્યુરો) ઓફિસ ખાતે ઝાડ કાપવા માટે ઋષી વર્મા નામનો ૨૦ વર્ષીય યુવકને મોકલવામાં આવ્યો હતો. આ યુવક પાસે કામ દરમ્યાન કોઈ જ પ્રકારની સેફ્ટી કિટ કે સલામતીના સાધનો ન હતા. શરૂઆતમાં તે ૧૫ થી ૨૦ ફૂટ ઊંચે ચડીને કામ કરી રહ્યો હતો, પરંતુ ત્યાં હાજર કર્મચારીઓ દ્વારા વધુ ઉપર ચડીને ડાળીઓ કાપવા માટે સતત દબાણ કરવામાં આવ્યું હતું. કર્મચારીઓની જોહુકમી અને ડરના માર્યા આ યુવક છેક ૪૦ થી ૫૦ ફૂટ ઊંચે ઝાડ પર ચડવા મજબૂર બન્યો હતો. ૪૦ થી ૫૦ ફૂટની ભયાનક ઊંચાઈએ ડાળી કાપતી વખતે અચાનક તેનું બેલેન્સ છૂટી જતાં તે સીધો જમીન પર પટકાયો હતો, જેને માથામાં અને પગમાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. કાગળો પર એજન્સીના બિલ બનાવી અંદરખાને ગરીબ મજૂરો પાસે જાેખમી કામ કરાવતા આ ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતે એક હસતો-રમતો પરિવાર ઉજડી નાખ્યો છે. નિર્દોષ શ્રમિકના ભોગે ચાલતી આ ભ્રષ્ટ અને અસંવેદનશીલ સિસ્ટમ સામે જવાબદાર તમામ અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂધ્ધ ત્વરિત કાયદેસરના ફોજદારી ગુના (હત્યાનો કેસ) દાખલ કરવાની માંગણી ઉઠવા પામી છે.