જૂનાગઢ મનપાના ડમ્પિંગ સ્ટેશને પ્લાસ્ટીકના ગંજ : ઝેર ખાવા ગૌવંશ મજબુર
મનપાના ભ્રષ્ટ અને અંધેર વહિવટને કારણે ગાયો બિમાર પડતા ભારે હોબાળો મચી ગયો : ગૌપ્રેમીઓ તત્કાલ બનાવના સ્થળે પહોંચી બિમાર ગાયોને સારવાર અપાવી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩૧
જૂનાગઢ મનપાની ડમ્પિંગ સાઇટ પર તંત્રની ઘોર બેદરકારીના કારણે ગૌવંશની કફોડી હાલત સામે આવતા ભારે હંગામો મચ્યો હતો. ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાંથી ગાયો પ્લાસ્ટિક સહિતનો કચરો ખાતી હોવાના દ્રશ્યો સામે આવતા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો તેમજ ગૌપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં ગૌરક્ષકો અને ગૌપ્રેમીઓ તાત્કાલિક ડમ્પિંગ સાઇટ પર દોડી ગયા હતા અને ગાયોને પ્લાસ્ટિક તથા કચરો ખાતી અટકાવી તેમની સારવાર માટે કામગીરી શરૂ કરી હતી. ગૌપ્રેમીઓના જણાવ્યા મુજબ, કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક ખાવાના કારણે અનેક ગાયોની તબિયત લથડી રહી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ગૌવંશને ખોરાકના બદલે કચરો અને પ્લાસ્ટિક ખાવા માટે મજબૂર થવું પડે તેવી સ્થિતિ ઊભી થવી મહાનગરપાલિકા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે. આ ઘટનાની જાણ થતાં વોર્ડ નંબર-૭ના કોર્પોરેટર જયેશભાઈ બોઘરા પણ ડમ્પિંગ સાઇટ પર પહોંચ્યા હતા. સ્થળ પરની પરિસ્થિતિ નિહાળી તેમણે મનપાની કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ગૌવંશની આવી હાલત માટે જવાબદારી નક્કી કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. એક તરફ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતાના મોટા મોટા દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ મનપાની જ ડમ્પિંગ સાઇટ પર ગાયો કચરો અને પ્લાસ્ટિક ખાતી જોવા મળે તે તંત્રના સ્વચ્છતા વ્યવસ્થાપનના દાવાઓ સામે સવાલો ઊભા કરે છે. જો ડમ્પિંગ સાઇટ પર કચરાનું યોગ્ય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વ્યવસ્થાપન કરવામાં આવતું હોય તો ગૌવંશ કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક ખાવા માટે કેમ મજબૂર બને છે ? તેવો સવાલ પણ ગૌપ્રેમીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. હાલમાં દેશભરમાં ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ ઉઠી રહી છે. ત્યારે બીજી તરફ જૂનાગઢમાં ગૌવંશની આવી કફોડી હાલત સામે આવવી અત્યંત ગંભીર બાબત હોવાનું ગૌપ્રેમીઓ જણાવી રહ્યા છે. ગાય માતાને કચરો અને પ્લાસ્ટિક ખાતી અટકાવવા માટે ગૌરક્ષકો તથા ગૌપ્રેમીઓ સ્થળ પર દોડી ગયા હતા અને ગાયોના જીવ બચાવવા કામગીરી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાએ માત્ર ડમ્પિંગ સાઇટની વ્યવસ્થા જ નહીં પરંતુ શહેરમાં રખડતા ઢોરના પ્રશ્નને પણ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો પર ગાયોના ટોળા જોવા મળે છે ત્યારે આ ગાયો ખરેખર રખડતી ગાયો છે કે કોઈની માલિકીની ગાયો છે? જો માલિકીની ગાયો હોય તો તેમને રસ્તા પર રખડતી મૂકનારા પશુપાલકો સામે કાર્યવાહી કેમ થતી નથી? અને જો ગાયો રખડતી હોય તો મહાનગરપાલિકા દ્વારા તેમની યોગ્ય વ્યવસ્થા કેમ કરવામાં આવતી નથી? તેવા સવાલો પણ હવે ઉઠી રહ્યા છે. ગૌપ્રેમીઓની માંગ છે કે સમગ્ર મામલે મહાનગરપાલિકા તંત્ર દ્વારા ગંભીરતાથી તપાસ કરવામાં આવે, ડમ્પિંગ સાઇટ પર ગૌવંશ કચરો અને પ્લાસ્ટિક ન ખાય તે માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, બીમાર ગાયોની યોગ્ય સારવાર કરાવવામાં આવે તેમજ શહેરમાં રખડતા ઢોરના પ્રશ્ને જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.



