કેશોદમાં એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત : નર્સિંગની વિર્દ્યાથિનીનું કરૂણ મોત

કેશોદમાં એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત : નર્સિંગની વિર્દ્યાથિનીનું કરૂણ મોત
મૃતક - કુજલબેન વિક્રમસિંહ ગાંગણા

(પ્રતિનિધિ દ્વારા)
કેશોદ તા.ર૧
કેશોદ નજીક સોંદરડા રોડ પર આજે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક્ટિવા ચલાવી રહેલી યુવતીનું કરૂણ મોત નિપજતાં પરિવારમાં અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સોમનાથ-દહેગામ રૂટની એસટી બસ અને એક્ટિવા બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. મળતી માહિતી મુજબ કેશોદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી અને મૂળ પાણખાણ ગામની રહેવાસી કુજલબેન વિક્રમસિંહ ગાંગણા(ઉ.વ. ૧૯) એક્ટિવા લઈને પાણખાણ તરફ જઈ રહી હતી તે દરમિયાન કેશોદથી સોંદરડા જતાં માર્ગ પર તેની એક્ટિવા અને સોમનાથ દહેગામ રૂટની એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી પોલીસે યુવતીની ઓળખ કરી તેના પરિવારજનોને જાણ કરી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક કુજલબેન ર્નસિંગનો અભ્યાસ કરતી હતી અને ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે અભ્યાસમાં વ્યસ્ત હતી તેના પિતા માંગરોળ ખાતે મરીન કમાન્ડોમાં ફરજ બજાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. યુવતીના અચાનક અવસાનથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે ઘટનાના સમાચાર મળતા જ સગા-સંબંધીઓ અને મિત્રો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે.