ભીષણ યુધ્ધ વચ્ચે ભારત માટે ભારે રાહતના સમાચાર ભારતીય જહાજાેને હોર્મુઝ સમુદ્રધૂની માંથી પસાર થવાની ઈરાન સરકારે મંજુરી આપી
(એજન્સી) તહેરાન તા.૧ર
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા ૧૩ દિવસથી ચાલી રહેલા યુદ્ધ છતાં ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શકશે. ઈરાન સરકારે તેના માટે મંજૂરી આપી દીધી છે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.
રિપોર્ટ મુજબ, જે જહાજો અમેરિકા અને ઈઝરાયલ સાથે જોડાયેલા નથી, તેમને આ માર્ગ પરથી પસાર થવા દેવામાં આવશે. આ જ કારણસર હાલમાં ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ (સેફ પેસેજ) આપવામાં આવ્યો છે. અગાઉ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તમામ જહાજો પર હુમલો કરવાની ધમકી આપી હતી. અત્રે નોંધનીય છે કે, ભારતીય જહાજાેને સલામત પસાર થવા દેવા માટે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર અને ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે વાતચીત થઈ હતી. જે સફળ રહી હતી.
બીજી તરફ, ઈરાને બુધવારે રાત્રે ફારસની ખાડીમાં ‘સેફસી વિષ્ણુ‘ નામના એક અમેરિકી તેલ ટેન્કર પર હુમલો કર્યો હતો. જેમાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે. હાલમાં માર્યા ગયેલા ભારતીય નાગરિકની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
ન્યૂઝ એજન્સી PTI મુજબ, હુમલામાં આત્મઘાતી હોડી (સુસાઇડ બોટ) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જહાજ પર સવાર બાકીના ૨૭ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ જહાજ માર્શલ આઈલેન્ડના ધ્વજ હેઠળ સંચાલિત હતું.


