ટ્રમ્પના ઉદ્યોગ મંત્રીએ બફાટ કર્યો  ભારત એક-બે મહિનામાં માફી માંગશે

ટ્રમ્પના ઉદ્યોગ મંત્રીએ બફાટ કર્યો  ભારત એક-બે મહિનામાં માફી માંગશે

(એજન્સી)      વોશિંગ્ટન તા.૦૬
બ્લૂમબર્ગ ટીવી સાથે વાત કરતા અમેરીકાના ઉદ્યોગ સચિવ હોવર્ડ લુટનિકે ભારત પર ૨૫% વધારાના ટેરિફને દૂર કરવા માટે ત્રણ શરત મૂકી. તેમણે કહ્યું હતું કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવું પડશે, બ્રિક્સથી અલગ થવું પડશે અને અમેરિકાને ટેકો આપવો પડશે.
તેમણે કહ્યું હતું કે જો તમે (ભારત) રશિયા અને ચીન વચ્ચે સેતુ બનવા માગતા હો તો બનો, પરંતુ કાં તો ડોલર કાં તો અમેરિકાને ટેકો આપો. તમારા સૌથી મોટા ગ્રાહકને ટેકો આપો અથવા ૫૦% ટેરિફ ચૂકવો, જોકે તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે ભારત ટૂંક સમયમાં અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાટાઘાટો કરશે. અમેરિકા હંમેશાં વાટાઘાટો માટે તૈયાર છે.
લુટનિકે એમ પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર તણાવ છે, પરંતુ ટૂંક સમયમાં ભારત માફી માગશે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાટાઘાટોના ટેબલ પર આવશે.
તેમણે કહ્યું હતું કે એક કે બે મહિનામાં ભારત ટ્રમ્પ સાથે વાટાઘાટોના ટેબલ પર આવશે અને માફી માગશે. લુટનિકના મતે, ભારત ટ્રમ્પ સાથે નવો સોદો કરવાનો પ્રયાસ કરશે. તે સોદો ટ્રમ્પની શરતો પર હશે અને તેઓ એને વડાપ્રધાન મોદી સાથે અંતિમ સ્વરૂપ આપશે. બીજી તરફ વિદેશ મંત્રાલય (સ્ઈછ) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે ભારત વેપાર મુદ્દાઓ પર અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખશે. અમે ચાર દેશો વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ક્વાડને એક સારું પ્લેટફોર્મ માનીએ છીએ. નેતાઓની બેઠક સભ્ય દેશો વચ્ચે રાજદ્વારી વાટાઘાટો દ્વારા નક્કી કરવામાં આવશે.