રશિયા ખાતે આયોજિત થનાર વિશ્વ યુવા મહોત્સવમાં ભારત દેશનું પ્રતિનિત્વ કરશે ગુજરાતના યુવાન અક્ષય ગરૈયા

રશિયા ખાતે આયોજિત થનાર વિશ્વ યુવા મહોત્સવમાં ભારત દેશનું પ્રતિનિત્વ કરશે ગુજરાતના યુવાન અક્ષય ગરૈયા

રશિયાના નીજની નોવગોર્ડ ખાતે આગામી તારીખ ૧૬ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર સુધી વિશ્વ યુવા મહોત્સવ ૨૦૨૫નું આયોજન થવા જઈ રહ્યું છે. આ વિશ્વ યુવા મહોત્સવમાં વિશ્વના ૧૬૦ થી વધારે દેશના યુવા પ્રતિનિધિઓ પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ યુવા મહોત્સવ માટે ભારત દેશના પ્રતિનિધિ તરીકે ગુજરાતના પ્રતિભાશાળી યુવાન અક્ષય ઘનશ્યામભાઈ ગરૈયાની પસંદગી કરવામાં આવી છે. તેઓ આ કાર્યક્રમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કક્ષાની યુવા પ્રવૃત્તિઓ બાબતના વિવિધ સંમેલનોમાં યુવા વિકાસ બાબતના પોતાના મંતવ્યો રજૂ કરશે. વિશ્વભરમાંથી આવેલા પ્રતિભાશાળી યુવાઓ આ મહોત્સવમાં યુવા વિકાસ, જળવાયુ પરિવર્તન, લિંગ સમાનતા, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટ અપ, ઇનોવેશન અને ટેકનોલોજી જેવા વિષયોની સાથો સાથ વિશ્વની વિવિધ સમસ્યાઓ તેમજ તેના સમાધાનો માટે સાથે મળીને સકારાત્મક ચર્ચા કરશે. તેઓ વિશ્વ યુવા મહોત્સવમાં વિશ્વના યુવાઓ સમક્ષ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિનિધિત્વ કરીને સર્વજન સુખાય સર્વજન હિતાયના ભાવને ચરિતાર્થ કરીને વિવિધ મુદ્દાઓ પર પોતાના મંતવ્ય અને સૂચનો વિશ્વ સમક્ષ મૂકશે. અક્ષય ગરૈયા વિદ્યાર્થીકાળથી જ સામુદાયિક સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમજ સતત રાષ્ટ્ર વિકાસના કાર્યો માટે પ્રવૃત્ત રહે છે. તેઓએ આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય કક્ષાના વિવિધ સામાજિક પ્રોજેક્ટમાં સકારાત્મક કાર્ય કરેલ છે. તેઓ આ પહેલાં પણ રાષ્ટ્રીય યુવા મહોત્સવ, યુવા સંસદ, યુવા સંગમ, યુથ સમિટ, વિકસિત ભારતીય લીડર્સ ડાયલોગ તેમજ યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ જેવા અનેક રાષ્ટ્રીય કક્ષાના યુવા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. આ ઉપરાંત સામુદાયિક સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ ગુજરાત સરકાર દ્વારા તેઓને એનએસએસ રાજ્ય પુરસ્કાર દ્વારા પણ સન્માનિત કરવામાં આવેલ છે.