વડાપ્રધાન મોદીએ ગત રાત્રે 12 વાગ્યે વિડીયો મેસેજ જારી કર્યો
“પેપર લીક પર કડક કાર્યવાહી કરાશે : સંસદમાં જલ્દી બીલ પાસ કરાવીશું”
(એજન્સી) નવી દિલ્હી,તા.24:
નીટ (NEET) પેપર લીકને લઈને વડાપ્રધાન મોદીએ ગત મોડી રાત્રે વિદ્યાર્થીઓના નામે વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં પીએમ મોદીએ કહ્યું કે, 24 જુલાઈના રોજ યોજાનારી કેબિનેટ બેઠકમાં પેપર લીક વિરુદ્ધ વધુ કડક પગલાં લેવામાં આવશે. પીએમ મોદીએ ઉમેર્યું કે, પેપર લીક એ કોઈ સામાન્ય બાબત નથી અને તે વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ખૂબ જ પીડાજનક છે.
જંતર મંતર પર ચાલી રહેલ આંદોલન વચ્ચે વડાપ્રધાન મોદીએ મોડી રાત્રે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. PM મોદીએ કહ્યું કે, પેપર લીક એ કોઈ સામાન્ય બાબત નથી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આજે આ મામલે વધુ મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘x‘ પર પોસ્ટ કરીને એ પણ કહ્યું કે, પેપર લીક સામે વધુ કડક પગલાં લેવા માટે આજે કેબિનેટમાં ચર્ચા પણ થશે.
વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે, મિત્રો, પેપર લીક એ કોઈ સામાન્ય વિષય નથી. તેનાથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અત્યંત પીડા થાય છે. છેલ્લા અઢી મહિનામાં પેપર લીકની ઘટનાઓ બાદ સરકારે ઘણા કડક પગલાં ભર્યા છે અને દોષિતોની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે.


