વંથલી સુખપુરમાં જંગલી ભૂંડનો હુમલો, પશુપાલક ગંભીર ઇજાગ્રસ્ત
ભેંસો ચરાવતાં આધેડ પર તૂટી પડ્યું હિંસક ભૂંડ, માથા અને સાથળના ભાગે ઇજાઓ, ગ્રામજનોમાં ભયનો માહોલ, વન વિભાગ સામે હિંસક ભૂંડોને પકડવાની ઉગ્ર માંગ
જૂનાગઢ તા.07
વંથલી તાલુકાના સુખપુર ગામ ખાતે જંગલી ભૂંડના હુમલાની ઘટના સામે આવી છે. ખેતર વિસ્તારમાં પશુ ચરાવવા ગયેલા એક આધેડ પર અચાનક જંગલી ભૂંડ તૂટી પડતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાને કારણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, વંથલીના સુખપુર ગામના રહેવાસી કાનભાઈ બારૈયા સવારે પોતાના પશુઓને ચરાવવા માટે નદી કાંઠાના ખેતર વિસ્તારમાં ગયા હતા. તે દરમિયાન ઝાડીઓ તરફથી એક કદાવર જંગલી ભૂંડ અચાનક બહાર આવ્યું અને સીધો હુમલો કર્યો હતો. ભૂંડે કાનભાઈને જમીન પર પછાડી દીધા બાદ શરીરના વિવિધ ભાગે બચકાં ભર્યા હતા. હુમલામાં ખાસ કરીને માથા અને સાથળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
કાનભાઈની બૂમો સાંભળી નજીકના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકો એકત્ર થતા જંગલી ભૂંડ ત્યાંથી નાસી ગયું હતું. ત્યારબાદ ઇજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્ત કાનભાઈએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં લાંબા સમયથી જંગલી ભૂંડોનો ત્રાસ વધી રહ્યો છે. ખેતરોમાં જતા ખેડૂતો અને પશુપાલકો સતત ડરના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે. તેમણે વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરીને હિંસક ભૂંડોને પકડવાની માંગ કરી છે.
સ્થાનિક ગ્રામજનોના કહેવા મુજબ જંગલી ભૂંડો હવે માત્ર પાકને જ નુકસાન પહોંચાડતા નથી, પરંતુ લોકો પર હુમલા કરવાની ઘટનાઓ પણ વધતી જાય છે. ગ્રામજનોએ વહીવટી તંત્ર અને વન વિભાગને તાકીદે પગલાં લેવા અપીલ કરી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં સમસ્યાનો ઉકેલ આવે.


