આયુર્વેદિક આહાર-વિહાર અપનાવી મોટાપાને કહો અલવિદા: ભોજન પહેલાં પાણી પીવું મેદસ્વિતા ઘટાડવાનું અમૃત સમાન ઉપાય
જૂનાગઢ જિલ્લા આયુર્વેદ શાખાની ખાસ માર્ગદર્શિકા: યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ અને આયુર્વેદિક જીવનશૈલીથી મેદસ્વિતા પર મેળવો નિયંત્રણ
જૂનાગઢ,તા.૨૯
આજના આધુનિક યુગમાં અનિયમિત જીવનશૈલી અને ખોટા આહાર-વિહારના કારણે મેદસ્વિતા (મોટાપો) એક ગંભીર વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે. આ વૈશ્વિક સમસ્યાના નિવારણ માટે રાજય સરકાર દ્રારા મેદસ્વિતા મુક્ત અભિયાન વેગવંતું બનાવવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લા પંચાયત હસ્તકની જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક જીવનશૈલી અપનાવી મેદસ્વિતા દૂર ભગાડવા માટે એક વિશેષ સ્વાસ્થ્ય માર્ગદર્શિકા (પથ્ય-અપથ્ય) જાહેર કરવામાં આવી છે. આયુર્વેદના સુત્ર “સ્વભાવસ્લત્વમન્વિચ્છન્ મેદસ્વી પરિવર્જ્યેત્” અર્થાત પોતાનું સ્વાસ્થ્ય ઈચ્છતા મેદસ્વી પુરુષે અપથ્ય (નુકસાનકારક બાબતો) નો ત્યાગ કરવો જોઈએ. તે સૂત્રને સાર્થક કરવા જિલ્લાના નાગરિકોને આ આયુર્વેદિક નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો છે.
જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા મેદસ્વિતા પર નિયંત્રણ માટે ભોજનમાં જવ, કોદરી, સામો અને જૂના અનાજનો ઉપયોગ કરવો. કઠોળમાં મગ, ચણા, મસૂર અને કુળથી હિતાવહ છે. તીખા, કડવા અને તુરા પદાર્થો તેમજ મધ, છાશ અને શેકેલા રીંગણનો ખોરાકમાં સમાવેશ કરવો. ભોજનની શરૂઆતમાં નવશેકું પાણી પીવું ઉત્તમ છે.જીવનશૈલીમાં રોજ શારીરિક શ્રમ અને નિયમિત વ્યાયામ કરવો તેમજ નિયમિત ચાલવા જવું (ભ્રમણ). રસોઈમાં કે માલિશ માટે રાઈનું તેલ અથવા તલનું તેલ વાપરવું. સૂકા પાવડરથી ઉદ્વર્તન (માલિશ) કરવું ફાયદાકારક છે. આ ઉપરાંત આયુર્વેદિક નિષ્ણાંતની સલાહ મુજબ ત્રિફળા, ગુગ્ગુલુ અને શિલાજીતનું સેવન કરવું.
મેદસ્વિતા પર નિયંત્રણ લાવવા ન ખાવા જેવા પદાર્થોમાં ઘઉં, નવા ચોખા અને અડદ ખાવાનું ટાળવું. દૂધ, માવો, મીઠાઈ અને શેરડીની બનાવટો તેમજ ગળ્યા (મધુર) ખોરાક અને માંસાહારથી દૂર રહેવું. પેટ ભરીને અતિશય જમવું નહીં (ભૂખથી વધુ ન ખાવું) અને ભોજન કર્યા પછી તરત પાણી પીવું નુકસાનકારક છે.
ત્યાગ કરવા જેવી બાબતોમાં દિવસ દરમિયાન ઊંઘવાની ટેવ છોડવી. આળસ અને બેઠાડું જીવન ન જીવવું. શરીર પર તેલ કે ઘીનું અતિશય માલિશ કરવું નહીં તેમજ અતિશય ઠંડા વાતાવરણ કે એસી (AC) માં રહેવાનું ટાળવું.
વિશેષમાં, “ભોજન પહેલાં પાણી પીવું એ અમૃત સમાન છે અને તે મેદ (ચરબી) ઘટાડે છે.” આ સરળ અને આયુર્વેદિક નિયમોને દૈનિક જીવનમાં વણી લઈને નાગરિકો મેદસ્વિતા થી મુક્ત અને સ્વસ્થ જીવન જીવી શકે છે.


