આવતીકાલે જૂનાગઢમાં મેગા ડિસકનેકશન ડ્રાઇવ : ૧૮૪૨ ગ્રાહકો પર તવાઈ

આવતીકાલે જૂનાગઢમાં મેગા ડિસકનેકશન ડ્રાઇવ : ૧૮૪૨ ગ્રાહકો પર તવાઈ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૨૮
જૂનાગઢ શહેરમાં આવતીકાલે તારીખ ૨૯ સપ્ટેમ્બરના રોજ પીજીવીસીએલ દ્વારા મેગા ડિસકનેકશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં શહેરમાં ૧૮૪૨ ગ્રાહકો પર કાર્યવાહી કરવામાં આવશે.
પીજીવીસીએલના અધિકારી હિતેશ સોનીએ જણાવ્યુ કે, શહેરમાં ઘણા ગ્રાહકો એવા છે કે, જેને છેલ્લા મહિનાથી વીજ બીલ ઘરે આવ્યું હોવા છતા ભરતા હોતા નથી. જેને કારણે તારીખ ૨૯ સપ્ટેમ્બરના રોજ એક ડિસકનેકશન ડ્રાઇવનું આયોજન કર્યુ છે.
જેમાં જૂનાગઢ પીજીવીસીએલની ૫૦ ટીમ બનાવવામાં આવી છે. જે છેલ્લા ૬ મહિનાથી ૧૮૭૨ ગ્રાહકોનું જે રૂપિયા ૭૨ લાખનું બિલ બાકી છે તેના કનેકશન કટ કરશે. કનેકશન કટ કરવા સમયે કોઇપણ જાતની વસુલાત કરવામાં નહિં આવે. જેને પણ પૈસા ભરવાના હશે તેને ઓનલાઇન અથવા તો ઓફીસની વિન્ડોએ લેટ ફી સાથે ભરવાના રહેશે. મંગળવારે તો માત્ર કનેકશન જ કટ કરવામાં આવશે. આ ડ્રાઇવ શહેર તેમજ જિલ્લાભરમાં યોજાનાર છે. આમ, ૬ મહિનાથી બિલ ન ભરનાર જૂનાગઢ શહેરના ૧૮૪૨ ગ્રાહકો ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળે છે.