ગીરનાર બચાવ અભિયાન અંતર્ગત વિશાળ રેલી યોજાઈ: ૬૦ માંગણી સાથેનું આવેદનપત્ર અપાયું 

અતિક્રમણ મુદ્દે રાષ્ટ્રપતિને આવેદન, સરકારને એક મહિનાનું અલ્ટીમેટમ

ગીરનાર બચાવ અભિયાન અંતર્ગત વિશાળ રેલી યોજાઈ: ૬૦ માંગણી સાથેનું આવેદનપત્ર અપાયું 

જૂનાગઢ તા. ર૪
છેલ્લા કેટલાક દિવસો થયા ગીરનાર બચાવો અભિયાનનો નારો જૂનાગઢ અને સોરઠ પંથકમાં પુરજાેશથી ગાજી રહયો છે. ધર્મપ્રેમી જનતા, સનાતનીઓ અને સંતો દ્વારા ગીરનાર બચાવો અંતર્ગત એક મહારેલીનું આયોજન કરવામાં આવેલ હતું. ગઈકાલે આ મહારેલીમાં વિશાળ સંખ્યામાં જનસમુદાય ઉમટી પડયો હતો. અને સંતોની ઉપસ્થિતિમાં કલેકટરને આવેદપત્ર પાઠવી અને વિસ્તૃત રજુઆતો કરી ગીરનાર બચાવવા બાબતે જે મુદાઓ રજુુ કરવામાં આવેલ છે તેને તાત્કાલીક અસરથી પુરા કરવાની માંગણી કરવામાં આવી હતી. 
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં ગઈકાલે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે હવેલીવાડીની જગ્યા નજીક બપોરનાં ૪.૩૦ કલાકે સંતો, મહંતો, મહામંડલેશ્વર અને ધર્મપ્રેમી જનતા, સનાતનીઓ મોટી સંખ્યામાં એટલે કે વિશાળ સમુદાયમાં એકઠા થયા હતાં. અને સર્વત્ર ભગવો ધ્વજ અને ધજાઓ લહેરાતી જાેવા મળી હતી. એક અલૌકીક વાતાવરણ સર્જાયું હતું. 
આ ઉપસ્થિત સમુદાય એટલે કે સનાતનીઓ, સંતો, અને ધર્મપ્રેમીઓનો એક જ ધ્યેય હતો કે જૂનાગઢ નજીક આવેલા પવિત્ર ગરવા ગીરનાર ખાતે જૈન સમુદાયનાં કેટલાક લોકો દ્વારા થઈ રહેલા ધાર્મિક સ્થાનો સાથે ચેડા, રેકર્ડો ખોટા બનાવી અને જમીનો પચાવી પાડવા ઉપરાંત વિવિધ ધર્મસ્થળોનાં નામ બદલવા તેમજ વાત આટલેથી અટકતી નથી, તાજેતરમાં જ સીતાવન પાસેની ર૦૦૦ વાર જમીન જૈન સમુદાયને આપી દેવાનાં કારસાનો પર્દાફાશ થયાની વિગતો જાહેર થતાં જ સનાતનીઓમાં ભારે રોષ અને ઘેરા પ્રત્યાઘાતો પડયા હતાં. 
 આ સાથે જ ગીરનાર બચાવવા અભિયાનનો પ્રારંભ થયો હતો. અને જેના ભાગરૂપે ગઈકાલે મહારેલીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જૂનાગઢની ધર્મપ્રેમી જનતા પણ મોટી સંખ્યામાં સહભાગી થઈ હતી. અને ધર્મના કાર્યમાં વિવિધ સંપ્રદાયનાં સંતો, સનાતનીઓ સૌ કોઈ એક મંચ ઉપર ઉપસ્થિત રહયા હતાં એ ઈતિહાસની પ્રથમ ઘટના બની છે. ગીરનાર બચાવવા અભિયાનમાં સૌ સાથે મળી અને એકી અવાજે શૂર પુરાવ્યો હતો. ગઈકાલે બપોરનાં સમય થતાં જ જૂનાગઢ તેમજ ગીરનાર ક્ષેત્ર અને દૂર દૂરથી આવેલા સંતોની ઉપસ્થિતિમાં એક સભા મળી હતી. 
ભુતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી બાપુ, જયોતિનાથજી બાપુ, હરીહરાનંદજી બાપુ, સુખરામદાસ બાપુ, મહાદેવગીરી બાપુ, ચાંપરડાનાં સદાનંદજી બાપુ, દામોદર કુંડ તીર્થ ગોર સમીતીનાં નિર્ભય પુરોહીત, ઉતારા મંડળનાં ભાવેશ વેકરીયા તેમજ ભાવિકો અને આસપાસનાં ક્ષેત્રમાંથી પધારેલા સંતો-મહંતોની ઉપસ્થિતિમાં એક રેલી શરૂ થઈ હતી. આ મહારેલીમાં ‘જય ગીરનારી’ ‘હર હર મહાદેવ હર’નાં નારાઓ ગુંજી ઉઠયા હતાં. ઝાંસીની રાણી પ્રતિમા પાસેથી શરૂ થયેલી આ રેલી કલેકટર કચેરીએ પહોંચી હતી. અને જયાં કલેકટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં સીતાવનની ર૦૦૦ વારની અપાયેલી જમીનનો મુદો સહીતનાં વિવિધ મુદાઓ એટલે કે ૬૦ જેટલા મુદાઓ આવેદનપત્રમાં રજુ કરવામાં આવ્યા હતાં. અને તાત્કાલીક અસરથી આ બાબતે કાર્યવાહી કરવા રજુઆતો કરવામાં આવી હતી. એટલું જ નહી જાે આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી નજીકનાં સમયમાં નહી કરવામાં આવે તો ભાવિ રણનીતિ સંતો અને ભાવિકો દ્વારા ઘડી કાઢવામાં આવશે. અને તંત્રને એક મહીનાની મુદત પણ આપવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્રથી લઈ મુખ્યમંત્રી, વડાપ્રધાન, રાષ્ટ્રપતિને પણ કલેકટર મારફત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.