પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ : મોંઘી દવાઓના ખર્ચમાંથી મોટી રાહત
લાંબા સમયની બીમારીઓમાં આર્થિક બોજ ઘટાડતી પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના
જૂનાગઢ,તા.10
બીમારી માત્ર શારીરિક કષ્ટ જ નથી લાવતી, પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોની આર્થિક રીતે ભારણ વધારે છે. ખાસ કરીને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવી લાંબી ચાલતી બીમારીઓમાં દર મહિને થતો દવાનો ખર્ચ ઘરનું બજેટ ખોરવી નાખે છે. ત્યારે ગરીબમાં ગરીબ નાગરિક પણ શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત સારવાર મેળવી શકે તેવા ઉમદા આશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી 'પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના' આજે કરોડો પરિવારો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
બ્રાન્ડેડ દવાઓ ઘણીવાર બિનબ્રાન્ડેડ જેનેરિક દવાઓ કરતાં નોંધપાત્ર રીતે ઊચા ભાવે વેચાય છે, પણ તેમનું ઉપચારાની દ્રષ્ટિએ મૂલ્ય સમાન હોય. આ અસમાનતાને દૂર કરવા માટે, સારવાર ખર્ચ ઘટાડવા અને ખાસ કરીને આર્થિક રીતે નબળા લોકો માટે આવશ્યક દવાઓની પહોંચ સુનશ્ચિતકરવા માટે એક મુખ્ય પહેલ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના ની શરૂઆત કરી હતી.
આ યોજનાનો ઉદ્દેશ્ય દેશભરમાં સમર્પિત જનઔષધિ કેન્દ્રોના વધતા નેટવર્ક દ્વારા નોંધપાત્ર રીતે ઓછી કિંમતે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ પૂરી પાડવાનો છે, જેનાથી જેનેરિક દવાઓની પહોંચ અને પોષણક્ષમતા મજબૂત બને છે.
જૂનાગઢના નાગરિક હિતેશ ગુલવાણીએ જન ઔષધી કેન્દ્રો પરથી નિયમિત દવા લે છે. તેમણે જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા સમગ્ર ગુજરાત અને ભારતભરમાં શરૂ કરવામાં આવેલા જન ઔષધી કેન્દ્રો સામાન્ય જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જન ઔષધી કેન્દ્રો પર દવાઓ બજાર કિંમત કરતા 50 ટકા થી 80 ટકા સુધીના રાહત ભાવે ઉપલબ્ધ છે. આ કેન્દ્રો ખાસ કરીને એવા દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે. જેઓ છેલ્લા 5 થી 10 વર્ષ જેવા લાંબા સમયથી નિયમિત દવાઓ લઈ રહ્યા છે. આવી મોંઘી દવાઓ રાહત દરે મળવાથી સામાન્ય પરિવારોને ઘણો મોટો આર્થિક ફાયદો મળે છે.
હિતેશભાઈએ વધુમાં ઉમેર્યું કે, આ કેન્દ્રોમાં મળતી દવાઓની ગુણવત્તા પણ ખૂબ જ સારી હોય છે. તેમણે તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, તેઓ સરકારની આ જનકલ્યાણકારી યોજનાનો અવશ્ય લાભ લે. તેમણે પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજનાના માધ્યમથી ગરીબોની ચિંતા કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
જૂનાગઢના રહેવાસી સંદીપ જાનીએ જણાવ્યું હતુ કે, રાજ્ય અને સમગ્ર દેશમાં કાર્યરત આ મેડિકલ સ્ટોર્સ પર ઉપલબ્ધ દવાઓ સામાન્ય નાગરિકો માટે ખૂબ જ ફાયદાકારક છે. અહીં દવાઓ પર 50થી 80 ટકા સુધીનું માતબર સસ્તી આપવામાં આવે છે, જેના કારણે દવાનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. લાંબા સમય સુધી ચાલતી બીમારીઓ જેવી કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આ કેન્દ્રો ખૂબ જ ઉપયોગી છે. આ ગંભીર બીમારીઓની દવાઓ અહીં ખૂબ જ વ્યાજબી કિંમતે અને ગુણવત્તાયુક્ત મળી રહે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીની આ યોજના સામાન્ય માણસ માટે ખરેખર એક આશીર્વાદરૂપ યોજના છે.
જૂનાગઢ ખાતે છેલ્લા ચાર વર્ષથી જનઔષધિ સ્ટોર સાથે સંકળાયેલા ઈલાબેન બાલસે આ અંગે વિગતો આપતા જેનરિક દવાઓના ફાયદાઓ વિશે વાત કરી હતી. ઈલાબેને જણાવ્યું હતું કે, મેડિકલ ક્ષેત્ર એ માનવીની પ્રાથમિક અને જીવન જરૂરિયાતની વસ્તુ છે. હાલના સમયમાં બજારમાં મળતી બ્રાન્ડેડ (સ્ટાન્ડર્ડ) દવાઓ અને જેનરિક દવાઓના ભાવમાં ખૂબ મોટો તફાવત જોવા મળે છે. જેનરિક દવાઓ સ્ટાન્ડર્ડ દવાઓની સરખામણીએ 50 ટકા થી લઈને 80 ટકા સુધીના માતબર રીતે સસ્તી ઉપલબ્ધ છે, જે સામાન્ય માણસના ખિસ્સા પરનો ભાર ઓછો કરે છે.
દવાની અસરકારકતા અંગે તેમણે ઉમેર્યું હતું કે, ભાવ ઓછો હોવા છતાં જેનરિક દવાની ક્વોલિટી સ્ટાન્ડર્ડ દવા જેવી જ હોય છે. તેમાં કોઈ જ પ્રકારનો તફાવત હોતો નથી. આમ, ઓછા ખર્ચે શ્રેષ્ઠ સારવાર મેળવવા માટે પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો ઉત્તમ વિકલ્પ સાબિત થઈ રહ્યા છે.
આમ, કેન્દ્ર સરકારના 12 વર્ષના જનકલ્યાણ શાસનમાં આ યોજનાએ મધ્યમ વર્ગના ખિસ્સા પરનો આર્થિક બોજ હળવો કરીને કરોડો ચહેરાઓ પર સ્મિત લાવી આપ્યું છે.


