ભવ્ય દરબાર હોલ મ્યુઝીયમની હેરીટેઝ ઓળખ જાળવી રાખવા કામગીરી શરૂ

ભવ્ય દરબાર હોલ મ્યુઝીયમની હેરીટેઝ ઓળખ જાળવી રાખવા કામગીરી શરૂ

જૂનાગઢ તા. 11
જૂનાગઢનું નામ કાને સાંભળતા જ શહેરનાં ઐતિહાસિક સ્થળો, ફરવાલાયક સ્થળોની આખી નામવાલી સામે આવી જાય. આ સાથેજ નવાબી શાસન સમયની ઐતિહાસિક ઈમારતો દ્રશ્યમાન થાય તેમજ દિવાન ચોક ખાતે આવેલ દરબાર હોલ મ્યુઝીયમનો શાહી ઠાઠમાઠ નજર સમક્ષ તાદ્રશ્ય બનેજ, અને કચેરીનું ભવ્ય ચિત્ર નજર સમક્ષ  આવ્યા વિના ન રહે. જૂનાગઢનાં નવાબી શાસન સમયની યાદ અપાવનારા ઐતિહાસિક ઈમારતો પૈકી દિવાન ચોક ખાતે આવેલ દરબાર હોલ મ્યુઝીયમનાં વર્ષોથી બંધ રહેલ અને ખંઢેર બની રહેલા જર્જરીત બનતા જઈ રહેલા બિલ્ડીંગને નવીનીકરણ કરવામાં આવનાર છે અને જે અંગેની પ્રાથમિક તૈયારીઓ સંબંધીત તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવતા તેને આવકારવામાં આવી રહી છે.
જૂનાગઢમાં દિવાન ચોક ખાતે દરબાર હોલ મ્યુઝીયમ તરીકે ઓળખાતા બિલ્ડીંગ, ઈમારતનો ભારે દબદબો રહયો છે. નવાબી શાસનની જાહોજલાલી દર્શાવતું બિલ્ડીંગ જાળવણીનાં અભાવે જર્જરીત બનતું જતું હતું જેના કારણે 2014માં મ્યુઝીયમને સરદારબાગ ખાતે ખસેડવામાં આવ્યું હતું. અને ઐતિહાસિક દરબાર હોલ મ્યુઝીયમ વર્ષોથી બંધ છે અને તેની દિવસે દિવસે ખરાબ હાલત થઈ રહી છે.  રાજય સરકારે દરબાર હોલ મ્યુઝીયમને હેરીટેજ બનાવવા જાહેરાત કરી હતી. આ ઉપરાંત 2024માં દરબાર હોલ મ્યુઝીયમનાં નવીનીકરણ માટે રૂા.25.49 કરોડની રકમ પણ મંંજુર કરાવમાં આવી હતી પરંતુ  અત્યાર સુધીમાં આગળ કોઈ કાર્યવાહી થઈ નથી.
હવે વાત કરીએ દિવાન ચોક ખાતે આવેલા દરબાર હોલ મ્યુઝીમની કે દરબાર હોલ મ્યુઝીયમમાં મુખ્ય દરબાર ખંડ એટલે કચેરી, હોદા, પાલખી વિભાગ, ટેમ્પરેરી એકઝીબીશન વિભાગ, ટેકસટાઈલ હથીયાર અને પિકચર ગેલેરી સહીતનાં વિભાગો હતા. અને દરબાર હોલ મ્યુઝીયમનું ખુબજ આકર્ષણ હતું. જૂનાગઢ શહેરની જનતા ઉપરાંત  બહારથી આવનારા પ્રવાસીઓ પણ જૂનાગઢ આવે એટલે દરબાર હોલ મ્યુઝીયમની અચુક મુલાકાત લેતા હતા. દિવાન ચોક અને દરબાર હોલ મ્યુઝીયમનું નામ ગુંજતું રહયું છે. 2014માં મ્યુઝીયમ સરદારબાગ ખાતે ખસેડાયા બાદ દરબાર હોલ મ્યુઝીયમની ભવ્ય ઈમારત બંધ પડી અને દિવસે ને દિવસે જર્જરીત બની રહી છે. દરમ્યાન સંબંધીત તંત્ર દ્વારા દરબાર હોલ મ્યુઝીયમનાં નવીનીકરણ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ડ્રોન સર્વેલન્સ, વિવિધ વિભાગોના ડેટા મેળવી લેવાયા છે અને આરએન્ડબી વિભાગ દ્વારા મ્યુઝીયમની નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા બાદ એજન્સી દ્વારા પ્રાથમિક કામગીરી શરૂ કરી છે. દરબાર હોલ મ્યુઝીયમની ડીઝાઈન યથાવત રાખી જુની શૈલી મુજબ અદ્યતન ટચ આપવામાં આવશે. તબકકાવાર આ કામગીરીરી થશે અને ખુબજ ટુંકાગાળામાં નવનીકરણ પામેલ દરબાર હોલ મ્યુઝીયમને હેરીટેજ સ્મારક તરીકે ખુલ્લો મુકવામાં આવે તેવા નિર્દેશો મળી રહયા છે.