જૂનાગઢનાં પૂર્વ ડેપ્યુટી મેયર કરમણ કટારાની હત્યાનાં મુખ્ય આરોપી અશ્વિન વલકુ કાઠીને બિકાનેરથી ઝડપી લેતી સ્ટેટ મોનીટરીંગ સેલ
જૂનાગઢ તા. ૧૩
જૂનાગઢ જેલમાંથી જામીન પર છૂટી ૬ વર્ષથી નાસતો ફરતો પૂર્વ ડેપ્યુટી મેયર કરમણ કટારાનો હત્યારો અશ્વિન વલકુભાઈ સભાડને રાજસ્થાનના બિકાનેરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી જૂનાગઢ પોલીસના હવાલે કર્યો હતો. જૂનાગઢ શહેરના ગિરનાર દરવાજા વિસ્તારનો અશ્વિન સભાડ તથા અન્ય શખ્સો ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તે અંગેની માહિતી મહાનગરપાલિકા વોર્ડ નંબર ૯ના કોર્પોરેટર, મનપાના દંડક તથા પૂર્વ ડે. મેયર કરમણભાઈ પુંજાભાઈ કટારાએ પોલીસને આપી હોવાની અદાવત રાખી અશ્વિન વલકુ કાઠી સહિત ૫ાંચ શખ્સે ગત તા. ૦૨-૦૨-૨૦૧૦ના રોજ ભવનાથમાં વડલી ચોક ખાતે પિસ્તોલમાંથી કરમણભાઈ પર ૩ રાઉન્ડ ફાયર કરી માથા, પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી નાસી ગયા હતા.
આ ઘટનામાં પોલીસે પ્રથમ ૪ આરોપીને અને બાદમાં મહામહેનતે તા. ૨૬-૦૨-૨૦૧૦ના રોજ અશ્વિન વલકુની ધરપકડ કરી હતી. બાદમાં સેશન્સ કોર્ટના હુકમથી મુખ્ય આરોપી અશ્વિન સભાડને કાચા કામના કેદી તરીકે જૂનાગઢ જિલ્લા જેલમાં મોકલી આપ્યો હતો. આ પછી ગુજરાત હાઇકોર્ટના અન્વયે તા. ૧૮-૧૦-૨૦૧૦ના ૫ દિવસના વચગાળાના જામીન મંજુર થયા હતા. પરંતુ અશ્વિન વલકુ વચગાળાના જામીન ઉપરથી હાજર નહીં થઈ તા. ૨૪-૧૦-૨૦૧૯થી ફરાર થઈ ગયો હતો.
આરોપીની સત્વરે ધરપકડ કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં એસએમસીના એસપી મયુર ચાવડાએ ટીમો કાર્યરત કરી હતી. દરમ્યાન આરોપી અશ્વિન વલકુ જુદા જુદા વેશ ધારણ કરી અલગ અલગ રાજ્યમાં ફરતો હોવાની અને હાલ રાજસ્થાનના બિકાનેર ખાતે હોવાની બાતમી મળતા એસએમસીની ટીમ બિકાનેરથી ઝડપી લઇ શુક્રવારે વધુ કાર્યવાહી અર્થે જૂનાગઢ પેરોલ ફ ર્લો સ્કવોડ ને સોંપી આપ્યો હતો.
હત્યાનાં ૨૪માં દિવસે પકડાયો’તો તે સમયના મહાનગરપાલિકાના દંડક, પૂર્વ ડેપ્યુટી મેયર કરમણભાઈ પુંજાભાઈ કટારાની ગત તા. ૨ ફેબ્રુઆરી ૨૦૧૦ના રોજ પિસ્તોલમાંથી ફાયર કરી હત્યા નિપજાવી અશ્વિન વલકુ સભાડ સહિત ૫ાંચ શખ્સો નાસી ગયા હતા. આરોપીઓની ધરપકડ, તપાસ માટે તે સમયના ડીઆઈજી મોહન ઝાએ જૂનાગઢ, પોરબંદર સહિતના જિલ્લાની ટીમોની રચના કરી હતી. ગણતરીના દિવસોમાં અશ્વિન સિવાયના ૪ આરોપીને ઝડપી લીધા હતા. પરંતુ હત્યાના ૨૪માં દિવસે ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૦ના રોજ મહા મહેનતે મુખ્ય આરોપી અશ્વિન વલકુ સભાડની ધરપકડ પોલીસ કરી શકી હતી. સાધુ, શીખનાં વેશમાં નાસતો ફરતો હતો કાચા કામનો કેદી અશ્વિન વલકુભાઈ સભાડ પોતાની ધરપકડ થાય નહીં તે માટે બાલ, દાઢી વધારીને સાધુ જેવા તેમજ શીખની પાઘડી જેવા જુદા જુદા વેશ ધારણ કરી અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સિસથી બાતમીનાં આધારે વોચ ગોઠવી તેને ઝડપી લઇ મહત્વની સફળતા મેળવી હતી.
હત્યા, ડ્રગ્સ સહિત ૧૨થી વધુ ગુના ૪ સાગરીત સાથે મળી પૂર્વ ડે. મેયર કરમણભાઈ કટારાની ભવનાથ ખાતે હત્યા કરનાર શહેરના ગિરનાર દરવાજાનો અશ્વિન વલકુ વિરુધ્ધ ખૂન, એનડીપીએસ, શરીર સંબંધી તેમજ આર્મ્સ એક્ટ હેઠળ સહિત ૧૨થી વધુ ગુના નોંધાયા હતા.


