જૂનાગઢમાં ડૉ.આંબેડકર કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીનો ગળાફાંસો ખાઈ આપઘાત
મૃતક ઉચ્ચ ડિગ્રી મેળવ્યા બાદ સરકારી અધિકારી બનવાના લક્ષ્ય સાથે જૂનાગઢમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતો હતો
જૂનાગઢ તા.ર૩
જૂનાગઢના ડૉ. ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલયમાં રહીને ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા એક યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે.
MSC જેવી ઉચ્ચ પદવી મેળવ્યા બાદ સરકારી નોકરી મેળવવાની ઘેલછામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનના આ અંતિમ પગલાથી હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ અને પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, જૂનાગઢની ડૉ. આંબેડકર કુમાર છાત્રાલયમાં રહેતા ૨૬ વર્ષીય જયેશ સોલંકી નામના વિદ્યાર્થીએ આજે વહેલી સવારે પોતાના જ રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. જયેશ મૂળ અમરેલી જિલ્લાનો વતની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. સવારના સમયે જ્યારે રૂમનો દરવાજો ન ખુલ્યો અને જાણ થઈ, ત્યારે અન્ય વિદ્યાર્થીઓએ જોયું કે જયેશે પંખા સાથે લટકીને જીવન ટૂંકાવી લીધું હતું. મૃતક જયેશ સોલંકી ભણવામાં તેજસ્વી હતો અને તેણે સાયન્સ સ્ટ્રીમમાં સ્જીઝ્ર સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ઉચ્ચ ડિગ્રી મેળવ્યા બાદ તે સરકારી અધિકારી બનવાના લક્ષ્ય સાથે જૂનાગઢમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રાત-દિવસ મહેનત કરી રહ્યો હતો. હોસ્ટેલમાં રહીને તૈયારી કરતા આ યુવાને અચાનક કેમ મોતને વહાલું કર્યું, તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ જૂનાગઢના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ચેતન પવાર અને પોલીસ કાફલો તાત્કાલિક હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. ચેતન પવારે આ ઘટનાને અત્યંત દુખદ ગણાવી હતી. પોલીસે પંચનામું કરીને જયેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. મૃતકના પરિવારમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ બનાવ અંગે પોલીસ દ્વારા જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.


