જૂનાગઢ જિલ્લાના નવનિયુક્ત કલેકટર યોગેશ ચૌધરીએ પદભાર સંભાળ્યો
કેન્દ્ર - રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનું પારદર્શક અને સુદ્રઢ રીતે અમલીકરણ પ્રાથમિકતા રહેશે : કલેકટર
જૂનાગઢ તા.22
જૂનાગઢ જિલ્લાના નવ નિયુક્ત કલેકટર યોગેશ ચૌધરીએ આજે પોતાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે.
તેમણે જણાવ્યું કે, કેન્દ્ર રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનું પારદર્શક અને સુદ્રઢ રીતે અમલીકરણ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા લોકોને મળવાપાત્ર સુવિધા અને લાભો મળી રહે તે પ્રાથમિકતા રહેશે.
તેમણે ઉમેર્યું કે, જૂનાગઢ ધાર્મિક નગરી તરીકે અને સમગ્ર જિલ્લો પ્રવાસનની દ્રષ્ટિએ આગવી ઓળખ ધરાવે છે, કુદરતી સંપદાઓથી સમૃદ્ધ આ જિલ્લામાં ગિરનાર, સાસણ વગેરે નૈસર્ગિક સ્થળો આવેલા છે. ઉપરાંત દરિયાઈ સરહદ પણ આ જિલ્લો ધરાવે છે. ત્યારે પ્રવાસન વિકાસને વેગ મળે તે માટેના પ્રયાસો હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ - 2016ની આઈ.એ.એસ અધિકારી યોગેશ ચૌધરી નવરચિત વાપી મહાનગરપાલિકાના કમિશનર, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના સી.ઈ.ઓ., ભરૂચ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરના પદ ઉપર કુશળ વહીવટી સેવાઓ આપી ચૂક્યા છે. તેમણે એમ.બી.એ. અને બી.ટેક. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે.


