જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્રમાં ૯ પીઆઈ, ૮ પીએસઆઈની આંતરિક બદલી

ક્રાઇમ બ્રાન્ચમાં B.J. ચેતરીયા અને SOGમાં P.K. ચાવડાની નિમણૂક

જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્રમાં ૯ પીઆઈ, ૮ પીએસઆઈની આંતરિક બદલી

જૂનાગઢ તા.૧૨
જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના હેતુસર જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. પોલીસ બેડામાં ધરખમ ફેરફારો કરતાં ૯ પોલીસ ઈન્સ્પેક્ટર (PI) અને ૮ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. એકસાથે ૧૭ જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી થતાં જૂનાગઢ પોલીસ વિભાગમાં ભારે ચર્ચા જાગી છે.
વધુમાં આ આંતરિક તબદીલીમાં જિલ્લાની મુખ્ય તપાસ એજન્સીઓમાં પણ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ના PI તરીકે બી.જે. ચેતરીયાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની કમાન પી. કે. ચાવડાને સોંપવામાં આવી છે. મહત્વની શાખાઓમાં અનુભવી અધિકારીઓની નિમણુંકથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં મદદ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.
વધુમાં મળતી વિગત અનુસાર જૂનાગઢ જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાના આદેશથી ભવનાથ, માંગરોળ અને માળિયા પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન તથા ભેંસાણ પોલીસ સ્ટેશનમાં પણ પીઆઈની આંતરિક ફેરબદલ કરાઈ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને પોલીસ કામગીરીને અસરકારક બનાવવાના ભાગરૂપે બદલીઓ કરવામાં આવી હોવાનું મનાઈ છે.