જૂનાગઢ શહેર-જીલ્લામાં રોગચાળો : શરદી, ઉધરસનાં વાયરા
સવારે ભેજમય વાતાવરણ, બપોરે ગરમીનો માહોલ, બેવડી ઋતુનાં કારણે લોકો બિમાર પડયા
જૂનાગઢ તા. ૨૩
જૂનાગઢ શહેર તેમજ જીલ્લામાં રોગચાળો ફેલાયો છે. ખાસ કરીને શરદી, ઉધરસ, તાવ જેવા રોગોથી લોકો માંદગીમાં પટકાયા છે. દવાખાનામાં પાણીજન્ય રોગચાળાનાં કેસોનો વધારો નોંધાયો છે.
શિયાળાની વિદાયનાં દિવસો નજીક હોય અને ઉનાળાનાં આગમનની છડી પોકારતું વાતાવરણ સર્જાયું છે. તેમજ તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા માવઠાનો માહોલ સર્જાયો છે. દરમ્યાન જૂનાગઢ શહેર અને જીલ્લામાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહયા છે. ખાસ કરીને સવારના ભાગે ઝાંકળ વર્ષા, ભેજમય વાતાવરણ તેમજ બપોરથી રાત સુધી ગરમીનો અનુભવ તેમજ શિવરાત્રીનાં પર્વ બાદ દિવસ લંબાયો છે. અગાઉ ભર શિયાળામાં સાંજના ૬ વાગ્યાની આસપાસ દિવસ આથમી જતો હતો. જયારે હવે સાંજના સાત વાગ્યા સુધી પણ અજવાળું રહેતું હોય છે. આમ દિવસ પણ લંબાયો છે. દરમ્યાન છેલ્લા આઠેક દિવસ થયા વાતાવરણમાં પલ્ટો, હવામાનમાં ફેરફારને કારણે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહયા છે. ઠંડી, ભેજ, ગરમી જેવું વાતાવરણ સર્જાયું છે. જેનાં કારણે પાણીજન્ય રોગચાળો પ્રસરી ગયો છે. ખાસ કરીને શરદી, ઉધરસ, તાવનાં વાયરાને પગલે રોગચાળો ફેલાયો છે.
મળતી વિગત અનુસાર જૂનાગઢ શહેર અને જીલ્લામાં સરકરી તેમજ ખાનગી દવાખાનામાં દર્દીઓની સંખ્યામાં વધારો થયેલ છે. એક અંદાજ મુજબ લગભગ મોટાભાગનાં પરિવારોમાં પરિવારના એકાદ સભ્યને તો શરદી, ઉધરસ, તાવ થયેલ હોવાનું તારણ છે. શરદી, ઉધરસ, તાવનાં ચેપી રોગને કારણે પરિવારમાં એક વ્યક્તિને શરદી, ઉધરસ થાય એટલે અન્ય સભ્યોને પણ ઓછે વત્તે અસર થાય છે. બેવડી ઋતુનાં સમયમાં સ્વસ્થ રહેવા માટે તેમજ શરદી, તાવ, ઉધરસનાં સકંજામાંથી દુર રહેવા માટે સાવચેતી જરૂરી છે. ખાસ કરીને વાંસી ખોરાક ન ખાવો, ગળુ પકડાય જાય કે અન્ય રોગચાળામાં ન સપડાય તે માટે ઠંડી વસ્તુ, ઠંડા પીણાનું સેવન ન કરવું, તેમજ સ્વચ્છ વાતાવરણ ન થાય એટલે કે હવામાન ચોખ્ખું ન થાય ત્યાં સુધી સાવચેતી રાખવી જરૂરી છે. ઉપરાંત રોજ ગરમ, હુંફાળુ પાણી પીવું તે પણ આરોગ્ય માટે સારૂ છે. તેવી તબીબોની સલાહ છે. દરમ્યાન હાલ જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં શરદી, ઉધરસ અને તાવનો રોગચાળો ફેલાયેલ છે.


