દુબઈની ગગનચૂંબી ઈમારતો પર ઈરાને ડ્રોન-મિસાઈલ હુમલો કર્યો

દુબઈમાંથી વિશ્વના અતિશ્રીમંત લોકોનું વ્યાપક પલાયન : વિશ્વનું આર્થિક કેન્દ્ર દુબઈ સુમસામ બન્યું

દુબઈની ગગનચૂંબી ઈમારતો પર ઈરાને ડ્રોન-મિસાઈલ હુમલો કર્યો

(એજન્સી)           દુબઈ,તા.૧૩:
યુદ્ધના ૧૪મા દિવસે ઈરાને ફરી એકવાર દુબઈ પર ડ્રોન અને મિસાઈલોથી હુમલો કર્યો છે. દુબઈની ગગનચુંબી ઈમારતોને નિશાન બનાવવામાં આવી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બેંકોએ તેમના કર્મચારીઓને ઓફિસો ખાલી કરવા અને ઘરેથી કામ કરવા આદેશ આપ્યો છે. અહેવાલ મુજબ, દુબઈની અર્થવ્યવસ્થા પર આ હુમલાઓની ગંભીર અસર પડી છે અને હજારો અતિ-શ્રીમંત લોકો શહેર છોડી ગયા છે.
ગલ્ફ દેશોમાં વર્ષોથી એક શાંતિના નખલિસ્તાન તરીકે ઓળખાતું દુબઈ આજે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે. ઈરાને રાતોરાત દુબઈ પર વધુ ડ્રોન અને મિસાઈલો છોડ્યા હતા. કેટલાક ડ્રોન દુબઈની બહુમાળી ઈમારતો સાથે ટકરાયા હતા, જેના કારણે પ્રખ્યાત સ્કાયલાઈન પર ધુમાડો અને વિસ્ફોટો જોવા મળ્યા હતા. જે રસ્તાઓ ફેરારી અને લેમ્બોગિર્ની જેવી સુપરકારો માટે જાણીતા હતા, ત્યાં હવે ડ્રોનનો કાટમાળ જોવા મળી રહ્યો છે.
યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) પર અત્યાર સુધીમાં ૨૬૮ બેલેસ્ટિક મિસાઈલો, ૧૫ ક્રૂઝ મિસાઈલો અને ૧૫૦૦ થી વધુ ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. આમાંના ઘણા હુમલાઓમાં હોટલ અને એરપોર્ટ જેવા નાગરિક સ્થળોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. ઇઝરાયેલે ઈરાનની બેંકો પર હુમલો કર્યા બાદ, હવે ઈરાનનો આગામી લક્ષ્યાંક ગલ્ફ દેશોની નાણાકીય સંસ્થાઓ અને બેંકો છે.