નીટ રદ્દ થતા વિદ્યાર્થીઓ માટે અનેક સળગતા સવાલો સર્જાયા
(એજન્સી) નવી દિલ્હી, તા.13
મેડીકલ કોલેજોમાં પ્રવેશ માટે ગત તા.3 મે ના રોજ લેવાયેલી નીટ (યુજી) પરીક્ષા ગઈકાલે રદ થતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. પેપર લીકના કારણે વધુ એકવાર નીટ પરીક્ષા રદ થવાથી દેશના 22.79 લાખ જેટલા પરીક્ષાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યુ હતું.
આવું પહેલીવાર નથી, 2024માં પણ નીટ પરીક્ષાનું પેપર લીક થવાથી નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ) દ્વારા પરીક્ષાને રદ કરાઈ હતી. ત્યારબાદ ફરી ગઈકાલે આ જ મુદ્દે નીટ પરીક્ષા રદ કરવામાં આવી છે.
આ ઘટનાએ આવી પરીક્ષાઓના સંચાલન પર ફરી એકવાર પ્રશ્નચિહન લગાવી દીધું છે શું આપણે કયારેય આપણી પરીક્ષા પ્રણાલીને એક અભેદ કિલ્લાની જેમ મજબૂત બનાવી શકીશું કે કયારેય પેપર લીક ન થાય અને છાત્રાને પરેશાનીનો સામનો ન કરવો પડે.
આવી ઘટનાઓ આપણી પ્રવેશ પરીક્ષા પ્રણાલીમાં અનાસ્થા અને અવિશ્વાસ પેદા કરે છે. એ 22.79 લાખ વિદ્યાર્થીઓના બારામાં વિચારો, જે 3 મે ના રોજ દેશના 551 અને વિદેશના 14 શહેરોના 5400 કેન્દ્રો પર પહોંચ્યા હતા.


