પાકિસ્તાને હુમલાની બહુ આકરી કિંમત ચુકવવી પડશે : અફઘાનિસ્તાનનો ટંકાર
પાક. હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનમાં ૮૦ના મોત
(એજન્સી) કાબુલ, તા.૨૩
પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં કરાયેલ એર સ્ટ્રાઇક બાદ હવે બંને દેશો વચ્ચેનો તનાવ વધી ગયો છે અને અફઘાનિસ્તાને જાહેર કર્યું છે કે આ હુમલાની પાકિસ્તાને મોટી કિંમત ચુકવવી પડશે. પાક દ્વારા અફઘાનિસ્તાનના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસમાં કરાયેલ હવાઇ હુમલામાં ૮૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે.
ખાસ કરીને અફઘાનમાં ખોસ્ત અને પત્તીકા પ્રાંતમાં ૭ સ્થળોએ આ પ્રકારે પાક હવાઇ દળે બોમ્બ વર્ષા કરી હતી. જેમાં પાકનો દાવો છે કે ૭૦ આતંકીઓનો ખાત્મો કરી નાખ્યો છે અને પાક હવાઇ દળે આ કાર્યવાહીને અત્યંત ચોક્કસ ગણાવી હતી.
પાકિસ્તાનનો આરોપ છે કે, હાલમાં ઇસ્લામાબાદ સહિતના પાકિસ્તાની શહેરોમાં જે આત્મઘાતી હુમલા થયા તેની પાછળ અફઘાનિસ્તાનનું ત્રાસવાદી નેટવર્ક જવાબદાર છે. જો કે અફઘાનિસ્તાને આ દાવો ફગાવીને કહ્યું છે કે અમારી સીમા અને લોકોની સુરક્ષામાં જે કાઇ જરુરી છે તે પગલા લેશું અને પાકિસ્તાને તેની કિંમત ચુકવવી પડશે.


