ભવ્ય રવાડી સરઘસ, મૃગીકુંડમાં સંતોનું શાહીસ્નાન સાથે શિવરાત્રી મેળો સંપન્ન

ગઈકાલે સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડયું : હૈયેહૈયુ દળાઈ તેટલી માનવ મેદની : રવાડી સરઘસ પૂર્વે જ રૂટ ઉપર ભાવિકોનો જમાવડો : આશરે ૯ લાખ ભાવિકોએ મેળો માણ્યો

ભવ્ય રવાડી સરઘસ, મૃગીકુંડમાં સંતોનું શાહીસ્નાન સાથે શિવરાત્રી મેળો સંપન્ન

જૂનાગઢ તા. ૧૬
સ્વયંભુ ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં યોજાયેલ શિવરાત્રીનો મેળો ગઈકાલે અંતિમ ચરણમાં પ્રવેશી ગયો હતો. સવારથી જ માનવ મહેરામણ અને હજારો-લાખો શ્રધ્ધાળુઓ ભવનાથ તળેટીમાં ઉમટી પડયા હતાં. તમામ રસ્તાઓ જાણે ભવનાથ તળેટી તરફ જ જતાં હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. ભવ્ય રવાડી સરઘનાં દર્શન કર્યા બાદ સંતોનાં મૃગીકુંડમાં શાહીસ્નાન સાથે શિવરાત્રી મેળો સંપન્ન થયો હતો.
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સુચના અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લા વહીટી તંત્ર દ્વારા આ વર્ષનો શિવરાત્રીનો મેળો દિવ્ય અને ભવ્ય બનાવવા માટે અનેક પ્રકારનું આયોજન કરવામાં આવેલ હતું. ગત તા. ૧૧ ફેબ્રુઆરીથી શરૂ થયેલ શિવરાત્રીનો આ મેળો ગઈકાલે એટલે કે તા. ૧પ ફેબ્રુઆરી શિવરાત્રીનાં પાવન અવસરે સંપન્ન થઈ રહયો હતો. ગઈકાલે સવારથી જ શિવરાત્રીનાં આ અવસરે શિવરાત્રી મેળામાં યોજાનાર રવાડી સરઘસનાં દર્શન માટે ભાવિકોનો પ્રવાહ સતત ભવનાથ તરફ વહી રહયો હતો. નિર્ધારીત સમયે વાજતે ગાજતે રવાડી સરઘસ નિકળ્યું હતું. આ રવાડી સરઘસનાં દર્શન માટે રૂટની બંને સાઈડ માનવ મહેરામણ ઉમટી પડયો હતો. આ રવાડી સરઘસમાં દિગંબર સાધુઓ દ્વારા લાઠીદાવ, તલવાર દાવ તેમજ હેરતઅંગેજ અંગકસરતનાં દાવો કરવામાં આવતાં તેણે ખુબ જ આકર્ષણ જગાવ્યું હતું. આ વર્ષે રવાડીનો રૂટ લંબાવી દેવામાં આવ્યો હતો. રવાડી સરઘસ જયાં જયાંથી પસાર થયું હતું ત્યાં ભાવિકો સંતોનાં દર્શન કરી ભાવવિભોર બન્યા હતાં. વાજતે ગાજતે નીકળેલ આ રવાડી સરઘસ મૃગીકુંડ ખાતે પહોંચ્યું હતું. પરંપરા મુજબ સૌપ્રથમ જુના અખાડા ત્યારબાદ આહવાન અને અગ્ની અખાડાના સંતો દ્વારા સ્નાન કરવામાં આવ્યું હતું. હર હર ભોલેના નાદ સાથે સંતો અને સાધુઓએ મૃગીકુંડમાં સ્નાન કરીને સૌને  આશીર્વાદ આપ્યા હતા. સાધુ સંતોના ભવનાથ મંદિરમાં આગમન સાથે જ પુષ્પ વર્ષા કરવામાં આવી હતી તેમજ હર હર મહાદેવના નાદથી સમગ્ર સંકુલ ગુંજી ઉઠ્યું  હતું. સાધુ સંતોના સ્નાન પૂર્વે મહા આરતી કરવામાં આવી હતી .જેમાં મૃગી કુંડની પણ આરતી કરવામાં આવી હતી આ કુંડમાં કરોડો તીર્થ વસેલા છે. આ કુંડમાં સ્નાન કરનારને મુક્તિ મળે છે તેમ આ કુંડનું મહાત્મય છે તેવા આ કુંડનાં દર્શન માત્રથી જ મનુષ્યનાં સંકટ દુર થાય છે તેમજ પાપોનો નાશ થાય છે. ગઈકાલે ભવનાથ પરીસરમાં પણ સંતો અને ભાવિકો ઉમટી પડયા હતાં. શિવરાત્રી મેળો ર૦ર૬નું આયોજન સરકારની સુચનાથી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા, પ્રાંત અને મેળા અધિકારી ચરણસિંહ ગોહીલનાં માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા એક માસ ઉપરાંતથી મેળાનાં આયોજનની કામગીરી કરી હતી. અને ગઈકાલે શિવરાત્રીનાં પાવન પર્વે રવાડી સરઘસ, સંતોનું મૃગીકુંડમાં સ્નાન અને ભવનાથ મહાદેવની મહાપૂજા સાથે શિવરાત્રી મેળાનું સમાપન થયું છે ત્યારે તંત્રએ પણ નિરાતંનો દમ લીધો છે.