માંગરોળ શાપૂર નજીક ફાર્મમાં ઘૂસી દિપડાએ પાંચ બકરાનું મારણ કર્યું
માંગરોળ પંથકમાં અવારનવાર દિપડાની રંજાડથી લોકોમાં ભય : વન વિભાગ દ્વારા ફક્ત આશ્વાસન સિવાય કોઈ કાર્યવાહી નહી કરતા રોષ
(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ તા.૩૧
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે છેલ્લા ઘણા સમયથી દિપડાઓનો જાણે રાફડો ફાટયો છે. રહેણાંક વિસ્તાર સહિત ચારે બાજુ દિપડાઓના આટાફેરા સામાન્ય થઈ ગયા છે. ગમે ત્યારે પાલતુ પ્રાણીઓને શિકાર બનાવી ખેડૂતોને અને પશૂપાલકોને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે. આ સાથે માનવજીવન પણ જોખમ મા મુકાયું છે. શાપૂરમાં થોડા સમય પહેલા એક મહિલાને સિંહએ ફાડી ખાદી હતી. માંગરોળના શાપૂર ગામ નજીક શારદાગ્રામ કોલેજ પાછળ રવિવારની વહેલી પરોઢીએ એક ખેડૂતના ફાર્મ ઘૂસી પાચ બકરાનું મારણ કરતા ખેડૂતને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ફાર્મની ઊંચી દિવાલ કૂદી છપરામાંથી દિપડો ફાર્મમાં ઘૂસી ગયેલ અને એક બકરી સહિત કૂલ પાંચ મોટા બકરાનું મારણ કર્યુ હતું. બકરાની ચીસો સાંભળી બાજુના મકાનમાં રહેતા ખેડૂત જાગી ગયેલ. ફાર્મમાં દોડી જતા દિપડો નાસી ગયો હતો અને અન્ય બકરાનું બચાવ થયો હતો. વન વિભાગને જાણ કરતા વનવિભાગના એક રોજમદાર કર્મચારીએ મુલાકાત લિધી હતી. શાપૂરના સરપંચ ધીરૂભાઈ પરમારે પણ ઘટના સ્થળની મૂલાકાત લિધી હતી. આખરે છેલ્લા ઘણા સમયથી દિપડાએ માંજા મુકી છે અને લોકોમા ભારે ભય ફેલાય રહ્યો છે. ત્યારે માંગરોળ પંથકમાંને દિપડાઓના ત્રાસથી ક્યારે મુકતી મળશે તેવી રોષપૂર્વક માંગ ઉઠી છે.


