મુંબઈ એરપોર્ટ પર 4 વિદેશી નાગરીકો પાસેથી રૂા.11 કરોડનું કોકેઈન ઝડપાયું : ડીઆરઆઈની કાર્યવાહી
મુંબઈ તા.23 :
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ‘ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ‘ (ડીઆરઆઈ) દ્વારા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 4 વિદેશી નાગરિકો પોતાના પેટમાં કેપ્સ્યુલ ગળીને ડ્રગ્સની હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેમને ડીઆરઆઈએ ઝડપી પાડ્યા છે. તેમના શરીરમાંથી સવા બે કિલો (2.25 કિલો) કોકીન જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત 11 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
દેશમાં ડ્રગ્સની ઘૂસણખોરી રોકવા માટે ડીઆરઆઈની ટીમે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બાતમીના આધારે એક સઘન ઓપરેશન પાર પાડ્યું હતું. શંકાસ્પદ ગતિવિધિઓને આધારે એરપોર્ટ પર 4 વિદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી.
શરૂઆતની તપાસમાં કશું જ હાથ ન લાગતા ડીઆરઆઈના અધિકારીઓએ તેમની તબીબી તપાસ કરાવી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ દાણચોરોએ સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માટે ડ્રગ્સ ભરેલી કેપ્સ્યુલ્સ ગળી લીધી હતી અને તેને પોતાના પેટમાં સંતાડીને લાવ્યા હતા. તબીબી પ્રક્રિયા મારફતે તેમના શરીરમાંથી આ કેપ્સ્યુલ્સ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી.


