ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી-મીડીયા કર્મીની ઓળખ આપી
જીઆઈડીસી-રમાં વેપારીઓને ધમકાવી નાણાનાં ઉઘરાણા કરતી તોડબાજ ટોળકીના ૩ શખ્સો ઝડપાયા
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૪
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતા જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં વેપારીઓને ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક નાણાં પડાવતી તોડબાજ ટોળકીનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને જેતપુરના ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય બે ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં અજય જયસિંગભાઈ જાદવ, હેમંત મનસુખ શેખવા અને વિજય બહાદુર રામગરીબ વર્મા (તમામ રહે. જેતપુર)નો સમાવેશ થાય છે. આ ટોળકી GIDCના કારખાનાઓમાં જઈને પોતાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓ અને મીડિયાકર્મી બતાવીને તોડબાજી આચરતી હતી.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં GIDC વિસ્તારના કેટલાક વેપારીઓ તાલુકા પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવ્યા હતા. વેપારીઓએ આપવીતી જણાવતા કહ્યું હતું કે, શંકાસ્પદ શખસો કારખાનાઓમાં આવી પોતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ અને પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ હોવાની ખોટી ઓળખ આપતા હતા.
આરોપીઓ વેપારીઓને એવું કહીને ધમકાવતા હતા કે, "તમારા કારખાનામાંથી કેમિકલયુક્ત દૂષિત પાણી બહાર છોડવામાં આવે છે, જેનાથી એક વ્યક્તિનું મોત થયું છે." આવી ધમકીઓ આપી ફેક્ટરીઓ બંધ કરાવી દેવાની અને જેલભેગા કરવાની બીક બતાવીને મોટી રકમની માંગણી કરતા હતા.
વેપારીઓને શંકા જતાં તેઓએ તાલુકા પીઆઈનો સંપર્ક કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે છેલ્લા ૧૦થી ૧૫ દિવસમાં આ ટોળકીએ અનેક વેપારીઓ પાસેથી લાખો પડાવ્યા છે. જેમાં ગત ૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ એક વેપારી પાસેથી ૨૧૦૦૦, ૫ ઓગસ્ટે ૧૦,૦૦૦ તથા અન્ય સ્થળોએથી ૫,૦૦૦ અને ૧૫,૦૦૦ જેવી રકમો બળજબરીથી કઢાવી લીધી હતી. દરમ્યાન પોલીસે દરોડા પાડીને જેતપુરના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ જૂનાગઢના વિવેક મહેતા અને જેતપુરના રાકેશ પીઠડીયા હજુ ફરાર હોય તેમની શોધખોળ હાથ ધરાઈ છે. જીલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર, આરોપીઓ સામાન્ય મજૂરી, બ્રોકર અને ગ્રાફિક્સના કામકાજ સાથે જોડાયેલા છે. આરોપીઓ પૈકી એક વ્યક્તિ ગ્રાફિક્સનું કામ જાણતો હોવાથી બોગસ આઈડી કાર્ડ અને બેનરો બનાવીને વેપારીઓ પર દબાણ લાવતો હતો. આ આરોપીઓ ભૂતકાળમાં પણ આવા ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.


