જૂનાગઢમાં જુગારનાં કેસમાં બેદરકારી દાખવનાર બી ડીવીઝનનાં પાંચ પોલીસ કર્મીઓની તાત્કાલીક બદલી : પટ્ટનાં રૂપિયામાં પણ ગોલમાલ કરી ?

જૂનાગઢમાં જુગારનાં કેસમાં બેદરકારી દાખવનાર બી ડીવીઝનનાં પાંચ પોલીસ કર્મીઓની તાત્કાલીક બદલી : પટ્ટનાં રૂપિયામાં પણ ગોલમાલ કરી ?

જૂનાગઢ તા. ૧૪
જૂનાગઢ જીલ્લામાં જુગારની બદી સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જુગારની રેડનાં કેસમાં બેદરકારી દાખવનારા પાંચ પોલીસ કર્મચારીઓ સામે જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા આકરૂ વલણ અપનાવી તાત્કાલીક બદલી કરવામાં આવતા પોલીસ તંત્રમાં હલચલ મચી જવા પામી છે.
આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢમાં તાજેતરમાં ઝાંઝરડા રોડ ઉપર બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ડી સ્ટાફ દ્વારા જુગારની રેડ કરીને જાહેરમાં જખુગાર રમતી છ મહિલાઓને પકડીને કેસ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે પોલીસ ચોપડે બતાવેલ મુદામાલ-રોકડમાં ગોલમાલ કરી હોવાની એસપીને ગંધ આવતા તેઓએ તાકીદે પાંચ પોલીસ કર્મીની જાહેર હિતનું કારણ આપીને બદલીઓ કરી નાખતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે. જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ડી સ્ટાફ દ્વારા ત્રણ દિવસ પહેલા ઝાંઝરડા રોડ ઉપર આવેલી ગોકુલેશ ગૌશાળા પાસે રેડ કરીને જાહેરમાં જુગાર રમતા છ મહિલાઓને રૂા. ૧૬ર૧૦ની રોકડ સાથે પકડીને ગુનો દાખલ કર્યો હતો. જે કેસમાં પોલીસ સ્ટાફે બતાવેલ મુદામાલ રોકડમાં ગોલમાલ થયેલ હોવાની ચર્ચા ચાલી અને આ વાત એસપી સુધી પહોંચી હતી. જેને લઈને હાલ એસપીએ બી ડીવીઝન ડી સ્ટાફનાં એએસઆઈ શૈલેષભાઈ શિવાભાઈ પરમારની માંગરોળ, હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ બાવનભાઈ હુણની વિસાવદર, પોલીસ કોન્સટેબલ મુકેશભાઈ મગનભાઈ મકવાણાની માળીયા હાટીના, મુળુભાઈ જેઠાભાઈ વાંદાની વિસાવદર અને પરેશભાઈ કેસુરભાઈ વરૂની શીલ પોલીસ સ્ટેશન ખાતે જાહેર હિતમાં બદલી કરી દેવામાં આવી છે. આ અંગે ખાતકીય તપાસના પણ એંધાણ વર્તાય રહયા છે. એક સામે એક જ પોલીસ સ્ટેશનનાં પાંચ પોલીસ કર્મીઓની સામુહિક બદલીથી પોલીસ બેડામાં ચર્ચા સાથે ફફડાટ ફેલાયો છે.