સોનાક્ષીના ટ્રોલિંગ પર ભડક્યા શત્રુઘ્ન સિંહા, કહ્યું- ‘મારી દીકરીને જાણીજોઈને નિશાન બનાવાઈ’
વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યા બાદ અભિનેત્રી સામે થયેલા ઓનલાઈન ટ્રોલિંગને લઈને પિતાએ ખુલ્લેઆમ દીકરીનો પક્ષ લીધો
મુંબઈ, તા. ૨૦
અભિનેત્રી સોનાક્ષી સિંહા દ્વારા સામાજિક અને વિદ્યાર્થીઓના મુદ્દાઓને લઈને વ્યક્ત કરવામાં આવેલા અભિપ્રાય બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયેલા ટ્રોલિંગને લઈને હવે તેમના પિતા અને અભિનેતા શત્રુઘ્ન સિંહા ખુલ્લેઆમ દીકરીના સમર્થનમાં આવ્યા છે. તેમણે સોનાક્ષી સામે થઈ રહેલી ટીકાઓને લઈને નારાજગી વ્યક્ત કરી અને આ ટ્રોલિંગ પાછળ ચોક્કસ હેતુ હોવાનો દાવો કર્યો છે.
તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર ખાતે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને હટાવવામાં આવ્યા બાદ સોનાક્ષી સિંહાએ સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેણે વાંગચુક ઉપરાંત વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં વીડિયો શેર કરીને પોતાની વાત રજૂ કરી હતી. આ સાથે ઝારખંડમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને પણ અભિનેત્રીએ સમર્થન આપ્યું હતું.
આ નિવેદનો બાદ સોશિયલ મીડિયા પર સોનાક્ષીને લઈને અનેક પ્રકારની ટિપ્પણીઓ થવા લાગી હતી. આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે તેમની દીકરીને ટાર્ગેટ કરીને ટ્રોલ કરવામાં આવી રહી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે સોનાક્ષી વિરુદ્ધ થતું મોટાભાગનું ટ્રોલિંગ પેઇડ અને આયોજનબદ્ધ છે.
શત્રુઘ્ન સિંહાએ વધુમાં જણાવ્યું કે સોનાક્ષી આવી ટીકાઓથી ડરતી નથી અને પોતાની વાત રજૂ કરવાની હિંમત ધરાવે છે. તેમના મતે સોશિયલ મીડિયા પર લખીને આપવામાં આવેલા સંદેશાઓના આધારે કેટલાક લોકો ટ્રોલિંગ કરતા હોય છે, પરંતુ સોનાક્ષીએ આવા લોકોને મહત્વ ન આપવાનો નિર્ણય કરીને યોગ્ય કર્યું છે.
સોનાક્ષી સિંહા છેલ્લા કેટલાક સમયથી સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પોતાના વિચારો ખુલ્લેઆમ વ્યક્ત કરતી જોવા મળી છે. જેના કારણે હવે તેના રાજકારણમાં પ્રવેશ અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે. આ અંગે શત્રુઘ્ન સિંહાને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
તેમણે કહ્યું કે સોનાક્ષી રાજકારણમાં આવવાની યોજના બનાવી રહી છે કે નહીં તે અંગે તેઓ કંઈ કહી શકે તેમ નથી. જોકે, દીકરીના વખાણ કરતાં તેમણે તેને ખૂબ જ કાબિલ ગણાવી હતી. હવે સોનાક્ષી તરફથી આ સમગ્ર વિવાદ અંગે આગળ શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર રહેશે.


