રાની મુખર્જીને લા ટ્રોબ યુનિવર્સિટીનું માનદ ડોક્ટરેટ, કારકિર્દીમાં ઉમેરાયું વધુ એક સન્માન
ભારતીય સિનેમામાં લાંબી સફર અને સામાજિક મુદ્દાઓ પર આધારિત ફિલ્મોમાં યોગદાન બદલ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીએ સન્માન કર્યું
મુંબઈ, તા.૧૯
બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીની કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ સન્માનનો ઉમેરો થયો છે. ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટી દ્વારા રાની મુખર્જીને માનદ ડૉક્ટર ઑફ લેટર્સની પદવી એનાયત કરવામાં આવી છે. ભારતીય સિનેમામાં લાંબા સમયથી આપેલા યોગદાન તેમજ માનવતાવાદી અને સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા તેમના કામને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
આ સન્માન સાથે રાની મુખર્જી લા ટ્રોબ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટ મેળવનારી બીજી ભારતીય ફિલ્મી હસ્તી બની છે. અગાઉ વર્ષ 2019માં અભિનેતા શાહરુખ ખાનને પણ આ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાની મુખર્જીએ પોતાની લગભગ ત્રણ દાયકાની ફિલ્મી સફરમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. ખાસ કરીને સામાજિક સમસ્યાઓ, મહિલાઓના સશક્તિકરણ અને માનવીય સંવેદનાઓને સ્પર્શતી અનેક ફિલ્મોમાં તેમણે પોતાની અભિનય ક્ષમતા દર્શાવી છે. તેમની ફિલ્મોની પસંદગીને પણ આ સન્માન પાછળનું મહત્વનું કારણ માનવામાં આવે છે.
માનદ ડોક્ટરેટ મળ્યા બાદ રાનીએ આ સન્માનને પોતાના માટે અત્યંત ખાસ ગણાવ્યું હતું. તેમના મતે, સિનેમા માત્ર મનોરંજનનું માધ્યમ નથી, પરંતુ લોકોની વિચારસરણી અને લાગણીઓ પર પણ અસર કરી શકે છે. પોતાની ફિલ્મોની પસંદગી અંગે તેમણે જણાવ્યું હતું કે તેઓ એવી વાર્તાઓ સાથે જોડાવાનું પસંદ કરે છે જે તેમને અંદરથી સ્પર્શે અને સમાજ સુધી કોઈ મહત્વપૂર્ણ સંદેશ પહોંચાડવાની ક્ષમતા ધરાવતી હોય.
રાનીએ કલાકારોની જવાબદારી અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, અભિનેતાનું કામ માત્ર પડદા પર પાત્ર ભજવવા પૂરતું મર્યાદિત નથી. કલાકારો પોતાના કામ દ્વારા દેશની સંસ્કૃતિ અને સમાજનું પ્રતિનિધિત્વ પણ કરતા હોય છે.
રાનીએ વધુમાં જણાવ્યું હતું કે તેમની ફિલ્મો દ્વારા જો કોઈ એક વ્યક્તિને પણ ભારત અથવા ભારતીય મહિલાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી હોય, તો તે તેમના માટે મોટી ઉપલબ્ધિ છે. આ સન્માન રાની મુખર્જીની ફિલ્મી કારકિર્દી ઉપરાંત સમાજ પ્રત્યેના તેમના અભિગમને પણ માન્યતા આપતું મહત્વપૂર્ણ સન્માન બની રહ્યું છે.


