હોર્મુઝમાં કુવૈતી ધ્વજવાળા જહાજ પર મિસાઈલ હુમલો : પાંચ ભારતીય નાવિકોનો આબાદ બચાવ
(એજન્સી) તહેરાન, તા.૩
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇરાન યુધ્ધથી સર્જાયેલી તંગદીલી અટકવાનું નામ નથી લેતું અને તનાવ વધારતા નવા-નવા ઘટનાક્રમો સર્જાય રહ્યા છે. હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઇ રહેલા કુવૈતી ઓઇલ ટેન્કર પર મીસાઇલ હુમલો થયો હતો તેમાં પાંચ ભારતીયો પણ સવાર હતા. જો કે, ભારતીય નાગરિકો હેમખેમ છે. ભારતીય મિશન તથા ઓમાનના સંયુક્ત પ્રયાસોથી રેસ્ક્યૂ કરીને કિનારે લાવવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર, કુવૈતનો ધ્વજ ધરાવતું અને ક્રૂડ ઓઈલ લઈને ટોગોના લોમે બંદર તરફ જઈ રહેલું ટેન્કર ‘એમટી કાઝીમા-૩‘ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના પર મિસાઈલ વડે હુમલો કરાયો હતો. હુમલાના કારણે ટેન્કરને નુકસાન પહોંચ્યું હતું, જોકે જહાજ પર સવાર તમામ પાંચેય ભારતીયોને આબાદ બચાવી લેવાયા છે.
ઓમાનની રાજધાની મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એેક્સ‘ પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટમાં હુમલાનો ભોગ બનેલા કુવૈતી ટેન્કર પરના પાંચેય ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને આજે કિનારે લાવવામાં આવ્યા છે. ભારતીય મિશને આ બચાવ કામગીરીમાં મહત્વપૂર્ણ સહયોગ આપવા બદલ ઓમાનનો આભાર માન્યો હતો.


