સોમનાથ ટ્રસ્ટની જર્જરીત ૩૫ દુકાનોનું ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમોલીશન કરાયું
દુકાનદારોને નજીકમાં નવી બનેલી બજારમાં દુકાનો ફાળવાઈ
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.ર૪
સોમનાથ મંદિર અને આસપાસ વિસ્તારનો વિકાસ અને યાત્રી સુવિધાઓ વધારવા હેતુસર કાયાપલટની કરવા અર્થે સરકાર અને ટ્રસ્ટ તબક્કાવાર કામગીરી કરી રહ્યુ છે. જે અંતર્ગત આજરોજ સોમનાથ ટ્રસ્ટની બુકીંગ ઓફીસ સામે આવેલ અને તન્ના દામાણી બિલ્ડીંગ તરીકે ઓળખાતા કોમ્પલેક્ષની દુકાનો ઘણા સમયથી જર્જરીત થઈ ગઈ હોવાથી ટ્રસ્ટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ આ કોમ્પલેક્ષનો મોટાભાગનું હિસ્સો ઉતારી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ગ્રાઉન્ડ ફ્લોરમાં રોડની સાઈડમાં આવેલ ૩૫ જેટલી દુકાનો જર્જરીત હાલતમાં હોવાથી ટ્રસ્ટએ દુકાનદારોને નોટીસ પાઠવી ખાલી કરવા સુચના આપી હતી. આના બદલામાં નજીકમાં બનાવાયેલ હાર્ટ બજારમાં તમામ વેપારીઓને દુકાનો ફાળવણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી પુર્ણ થતા ટ્રસ્ટ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે સવારથી ૩૫ જર્જરીત દુકાનો ઉતારવાની કામગીરી બે જેસીબીની મદદથી હાથ ધરી હતી. આ કામગીરીને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. આ કામગીરી જાહેર રોડ થનાર હોવાથી વાહનો તેમજ માણસોના અવરજવર જાહેર સલામતી માટે વૈકલ્પિક માર્ગ આપવામાં આવી હતી. આ અંગે વાહન અને માણસોના અવર-જવર ઉપર પ્રતિબંધ દર્શાવતું જાહેરનામું જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ હતું.


