૧ એપ્રિલથી રોકડ વ્યવહાર માટે ઈન્કમટેકસના નિયમોમાં ફેરફારવેપારીએ એક દિવસમાં રૂા.ર લાખથી વધુનુ વેચાણ રોકડમાં કર્યું તો આવકવેરા વિભાગ દંડ ફટકારશે
(એજન્સી) નવી દિલ્હી,તા.૨૮:
તમામ કરદાતા રોકડના બદલે ઓનલાઈન જ વ્યવહાર કરે તેવા આશયથી રોકડના વ્યવહારમાં વ્યાપક ફેરફાર કરવામાં આવ્યા છે. તેને અમલ આગામી એક એપ્રિલથી લાગું કરવામાં આવશે. જેથી વેપારી એક દિવસમાં બે લાખથી વધુનું વેચાણ રોકડ પર કર્યું હોવાનું બતાવે તો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તેની સામે દંડનીય કાર્યવાહી કરશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. કાળાનાણાંની હેરફેર અટકાવવા માટે સરકાર દ્વારા રોકડના નિયમોમાં સમયાંતરે ફેરફાર કરતી હોય છે. તે અંતર્ગત આગામી એક એપ્રિલથી રોકડના નિયમોમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે તેમજ તેનો કડક રીતે અમલ કરવામાં આવ્યો નહીં હોય તો દંડ ફટકારવામાં આવશે. કારણ કે કેટલાક વેપારીઓ રોકડમાં માલનું વેચાણ કર્યાનું ઈન્કમટેક્સ રીટર્નમાં દર્શાવતા હોય છે. પરંતુ હવેથી બે લાખથી વધુનું વેચાણ રોકડમાં કર્યું હોવાનું બતાવવામાં આવશે તો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આવા વેપારી સામે કાર્યવાહી કરવાની છે. આ ઉપરાંત વેપારીએ એક દિવસમાં વધુમાં વધુ ૧૦ હજાર રુપિયાનો ખર્ચ રોકડમાં કર્યો હશે તો તે માન્ય રાખવામાં આવશે. તેના કરતા વધુ ખર્ચ રોકડમાં કર્યાનું ચોપડા પર દર્શાવવામાં આવશે તો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવો નિયમ લાગું કરી દેવામાં આવનાર છે.


