NCERTને સુપ્રિમ કોર્ટની ફટકાર : માત્ર માફી માંગવાથી નહીં ચાલે - અમને બતાવો આની પાછળ કોણ છે ?

ધો.૮ના પુસ્તકમાં ન્યાયીક ભ્રષ્ટ્રાચાર નામના પ્રકરણ મામલે

NCERTને  સુપ્રિમ કોર્ટની ફટકાર : માત્ર માફી માંગવાથી નહીં ચાલે - અમને બતાવો આની પાછળ કોણ છે ?

(એજન્સી)      નવી દિલ્હી તા.ર૬
NCERT ધોરણ ૮ના પુસ્તકમાં ન્યાયિક ભ્રષ્ટ્રાચાર પ્રકરણ મામલે આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રિમ કોર્ટે NCERT ભારે ફટકાર લગાવી છે. આજે સુનાવણી દરમ્યાન NCERT દ્વારા સુપ્રિમ કોર્ટમાં બીનશરતી માફી માંગવામાં આવી હતી. પરંતુ સર્વોચ્ચ અદાલતે NCERT માફીને ફગાવી દેતા કહ્યું હતું કે, માત્ર માફી માંગવાથી નહીં ચાલે, અમને બતાવો આની પાછળ કોણ છે ? જ્યાં સુધી અમને સંતોષ નહીં થાય ત્યાં સુધી કેસ ચાલુ રહેશે. દરમ્યાનમાં  સામાજિક વિજ્ઞાનનાં પાઠયપુસ્તકમાં ‘ન્યાયિક ભ્રષ્ટાચાર‘ વિવાદ પર NCERT પ્રથમ પ્રતિક્રિયા આપી છે. NCERT કહ્યું કે તેઓ ન્યાયતંત્રનો ખૂબ આદર કરે છે. પુસ્તકમાં ભૂલ અજાણતા થઈ છે અને NCERT તે પ્રકરણમાં ખોટી સામગ્રી સામેલ કરવા બદલ અફસોસ છે.
NCERT ૨૪ ફેબ્રુઆરીના રોજ ધોરણ ૮ના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાનની નવી પાઠયપુસ્તક બહાર પાડી હતી. 
આ પુસ્તક શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭થી શાળાઓમાં ભણાવવામાં આવનાર હતી. તેનો પ્રથમ ભાગ જુલાઈ ૨૦૨૫માં રજૂ કરવામાં આવ્યો હતો.
પુસ્તકનું નામ ‘એક્સપ્લોરિંગ સોસાયટી: ઇન્ડિયા એન્ડ બિયોન્ડ પાર્ટ ૨‘ છે. તેમાં ‘ધ રોલ ઓફ ધ જ્યુડિશિયરી ઇન અવર સોસાયટી‘ પ્રકરણની અંદર ‘કરપ્શન ઇન ધ જ્યુડિશિયરી‘ નો વિષય ઉમેરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભ્રષ્ટાચાર, મોટી સંખ્યામાં પેન્ડિંગ કેસો અને ન્યાયાધીશોની ભારે અછત ન્યાયિક પ્રણાલી સામેની મુખ્ય પડકારોમાં સામેલ છે.
વિવાદ વધ્યા બાદ NCERT પુસ્તકના વેચાણ પર રોક લગાવી દીધી છે. સાથે જ કહ્યું કે, વિવાદાસ્પદ પ્રકરણને ફરીથી લખવામાં આવશે.