ડીસેમ્બર માસમાં ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી : કોલ્ડવેવના દિવસો વધશે

ડીસેમ્બર માસમાં ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી : કોલ્ડવેવના દિવસો વધશે

(બ્યુરો)            અમદાવાદ,તા.૨
શિયાળાનો નવેમ્બર મહિનો પ્રમાણમાં હળવો રહ્યો હતો. પરંતુ હવે ડીસેમ્બરથી ફેબ્રુઆરીમાં ગુજરાત સહિતના રાજયોમાં કડકડતી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ દરમ્યાન કોલ્ડવેવનાં દિવસો પણ વધુ રહેવાની 
સંભાવના છે. ગુજરાત સહીત મધ્યભારતનાં મોટાભાગનાં ક્ષેત્રો, ઉતર પશ્ચિમ ભારતનાં કેટલાંક ભાગો તથા પ્રાયદ્વિપીય ભારતના તેલંગાણામાં તાપમાન સામાન્ય કરતા ઓછુ રહેશે.દિવસ અને રાત્રે અર્થાત ન્યુનતમ તથા મહતમ એમ બન્ને તાપમાનમાં ઘટાડો થશે.જેથી ઠંડીનો વધુ અનુભવ થશે.
હવામાન વિભાગનાં માસીક રીપોર્ટ પ્રમાણે મધ્યપ્રદેશ ઉતર-પુર્વીય મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, હરીયાણા,દિલ્હી, પૂર્વ-દક્ષિણ, રાજસ્થાન, પશ્ચિમી-દક્ષિણી ઉતરપ્રદેશ તથા તેલંગણામાં વધુ ઠંડી પડશે. સામાન્ય રીતે કોલ્ડવેવનાં ૪ થી ૬ દિવસ રહેતા હોય છે. તે સંખ્યા આ વર્ષે વધીને ૮ થી ૧૧ દિવસ હશે.
હવામાન વિભાગે દેશમાં આ વર્ષે કાતિલ ઠંડી પડશે તેવી ચેતવણી આપી છે. શિયાળાની સીઝન ત્રણ મહિના લાંબી ચાલશે અને ઉત્તર, મધ્ય અને પૂર્વોત્તરના રાજ્યોમાં સરેરાશ કરતાં વધારે ઠંડી પડશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ, લદાખ, ઉત્તરાખંડના કેટલાય વિસ્તારોમાં બરફવર્ષા થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેદારનાથમાં તો તાપમાનનો પારો ગગડીને ૧૦ ડિગ્રીની નીચે આવી ગયો હતો.