WHO એ કોલ્ડ્રિફ મામલા બાદ ત્રણ કંપનીને કડક ચેતવણી આપી
WHO એ આ ઉત્પાદનોને ખતરનાક જાહેર કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૧૫
ભારતમાં ઝેરી કફ સિરપને કારણે ૨૦થી વધુ બાળકોના મોત થઈ ગયા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ આ બાબતની નોંધ લીધી છે અને ત્રણ દવા કંપનીઓને ચેતવણી આપી છે. તેની કફ સિરપને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. તેમાં કોલ્ડ્રિફ પણ સામેલ છે, જેના કારણે મધ્યપ્રદેશમાં ઘણા બાળકોના મોત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે આ કફ સિરપ કોઈ જગ્યાએ જાેવા મળે તો તત્કાલ જાણકારી આપો.ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ પ્રમાણે ગ્લોબલ હેલ્થ એજન્સીએ શ્રીસન ફાર્માની કોલ્ડ્રિફ, રેડનેક્સ ફાર્માની રેસ્પિફ્રેશ ટીઆર અને શેપ ફાર્માની રિલાઇપ સિરપના ખાસ બેચની ઓળખ કરી છે, જેમાં મિશ્રણ જાેવા મળ્યું છે. WHO નું કહેવું છે કે આ સિરપ સ્વાસ્થ્ય માટે ખતરો પેદા કરી શકે છે. તેના કારણે ગંભીર અને જીવલેણ બીમારી પણ થઈ શકે છે.
ખાંસીની આ દવાઓની તપાસ દરમિયાન ડાયથિલીન ગ્લાઇકોલ નામનું એક ઝેરી કેમિકલ મળ્યું છે, જેનો ભારે માત્રામાં ઉપયોગ થયો છે. મહત્વની વાત છે કે આ કેમિકલનો ન તો કોઈ રંગ અને ન કોઈ ગંધ છે. જેથી તેની ઓળખ કરવી મુશ્કેલ છે. તેનો ઉપયોગ સિરપને મીઠી કરવા માટે કરવામાં આવે છે. ચોંકાવનારી વાત છે કે ડાયથિલીન ગ્લાઇકોલનો ઉપયોગ માનવ સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય છે. તમિલનાડુમાં શ્રીસન ફાર્માસ્યુટિકલ કંપનીનું લાઇસન્સ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે બંધ કરવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. નિરીક્ષણ દરમિયાન, રાજ્ય ડ્રગ કંટ્રોલ વિભાગના અધિકારીઓએ શોધી કાઢ્યું કે કફ સિરપમાં ૪૮.૬ ટકા ડાયથિલિન ગ્લાયકોલ (DEG) હતું. કંપનીના માલિક, જી. રંગનાથનની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી.


