અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે દિવસીય 'નેશનલ અર્બન કોન્ક્લેવ તેમજ 'મેયરલ સમિટ'નો પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેશમાં સૌપ્રથમ 'શહેરી વિકાસ વર્ષ' જેવા કોન્સેપ્ટ શરૂ કર્યા અને લોકોનું 'ઈઝ ઓફ લિવિંગ' સુનિશ્ચિત કર્યુઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે દિવસીય 'નેશનલ અર્બન કોન્ક્લેવ તેમજ 'મેયરલ સમિટ'નો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં દ્વિ-દિવસીય ‘નેશનલ અર્બન કોન્ક્લેવ' તેમજ 'મેયરલ સમિટ'નો પ્રારંભ કરાવ્યો હતો. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આ કોન્ક્લેવનું કેન્દ્ર સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરાયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, જાહેરજીવનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળનાં ૨૪ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત રાજનીતિમાં 'વિકાસ' શબ્દને સક્રિયપણે વ્યાપક
બનાવ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ અર્બન કોન્કલેવ અને મેયરલ સમિટ અમદાવાદ માટે વિશેષ છે કેમ કે આજે સમગ્ર દેશ વડાપ્રધાનના માર્ગદર્શનમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે શહેરી વિકાસની તેમની તત્કાલીન વિચારધારાને આધુનિક વિકાસ સાથે કેવી રીતે જોડવી તે અંગે આ કોન્કલેવમાં ચિંતન-મંથન કરવામાં આવશે.

અમદાવાદના વિકાસમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાન અંગેની ઐતિહાસિક બાબતોનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરદાર સાહેબે ૧૯૨૪ થી ૧૯૨૮ દરમિયાન અમદાવાદ નગરપાલિકાના અધ્યક્ષ તરીકે પોતાની વહીવટી જવાબદારીની શરૂઆત કરી હતી. લગભગ ૧૦૦ વર્ષ પહેલાં, તેમણે વહીવટી કુશળતા અને સુવ્યવસ્થિત અર્બન પ્લાનિંગ દ્વારા આદર્શ શહેરનું નિર્માણ કરીને દેશને સિટીઝન-સેન્ટ્રિક લોકલ એડમિનિસ્ટ્રેશનનું અનોખું મોડેલ આપ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યકાળથી લઈને દેશના વડાપ્રધાન તરીકે, સરદાર પટેલના આ જ વિચારોથી પ્રેરિત રહીને દેશમાં શહેરી વિકાસમાં પરિવર્તનથી નવી ક્રાંતિ લાવ્યાં છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં અમદાવાદ શહેરે વર્લ્ડ હેરિટેજ સિટીની સાથે સાથે વર્લ્ડ ક્લાસ સિટીની શ્રેણીમાં પણ ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, અમદાવાદનો વિશ્વ પ્રસિદ્ધ સાબરમતી રિવરફ્રન્ટ દેશના અન્ય શહેરો માટે અર્બન ટ્રાન્સફોર્મેશનનું આદર્શ મોડેલ બન્યો છે. આ ઉપરાંત, નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેશમાં સૌપ્રથમ 'શહેરી વિકાસ વર્ષ' નો જે કોન્સેપ્ટ આપ્યો, તે લોકોના 'ઈઝ ઓફ લિવિંગ' સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થયા છે. આપણે તેમના જ વિચારોથી પ્રેરણા લઈને ૨૦૨૫ને 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવી રહ્યા છીએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્બન મોબિલિટી અંગે કહ્યું કે, નરેન્દ્ર મોદી દેશના એવા પ્રથમ મુખ્યમંત્રી હતા, જેમણે શહેરો માટે સફળ બીઆરટીએસ જનમાર્ગ મોડેલનો વિચાર આપ્યો હતો. આજે મેટ્રો અને હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ્સના માધ્યમથી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટમાં અમદાવાદ અર્બન મોબિલિટી માટે એક આદર્શ બની રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લાં બે દાયકામાં વડાપ્રધાનના માર્ગદર્શનમાં રાજ્યમાં શહેરીકરણનું સ્તર ઘણું વધ્યું છે અને અમૃત 2.0 તથા સ્વચ્છ ભારત મિશન-2.0 જેવા પ્રોજેક્ટ્સ દ્વારા શહેરી માળખાને પરિવર્તિત કરવાનું કાર્ય થઈ રહ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ કોન્ક્લેવ વડાપ્રધાનના માર્ગદર્શનમાં આપણાં શહેરોને વિકસિત ભારત@૨૦૪૭ને અનુરૂપ બનાવવા, ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા નક્કી કરવા માટેનો એક સશક્ત મંચ બનશે.

વડાપ્રધાનએ વિકસિત ભારત @૨૦૪૭ માટે જે સંકલ્પ કર્યો છે તેને પાર પાડવામાં આ સમિટ આપણા સહિયારા ઉદ્દેશ્યને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ માધ્યમ બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

'વોકલ ફોર લોકલ'ના મંત્ર સાથે સ્વદેશીને પ્રાથમિકતા આપીને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવાનું સૌને માધ્યમ બનવાનો પણ તેમણે અનુરોધ કર્યો હતો. 

આ પ્રસંગે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે  અમદાવાદમાં 'નેશનલ અર્બન કોન્ક્લેવ' તેમજ 'મેયરલ સમિટ'નું આયોજન થઈ રહ્યું છે, એ સૌ માટે ગૌરવ અને સન્માનની વાત છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અમદાવાદ શહેરે શહેરી વિકાસના ક્ષેત્રોમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. એટલું જ નહીં, વારસાની પરંપરા પણ અમદાવાદે જાળવી રાખી છે. આ સાથે કચરામાંથી ઊર્જા અને ઊર્જામાંથી અવસરનો સંકલ્પ પણ અમદાવાદે  કર્યો છે.

મેયરએ વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરદર્શી નેતૃત્વમાં અમદાવાદ શહેરે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેશન (બીઆરટીએસ, એએમટીએસ, મેટ્રો) સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ, શહેરી હરિયાળી, સાંસ્કૃતિક અને રમતગમતની માળખાગત સુવિધાઓ અને વિશ્વ કક્ષાની નાગરિક સુવિધાઓ જેવી માઇલસ્ટોન પહેલ હાથ ધરી છે. એટલું જ નહી, આ સમિટ થકી ભારતના શહેરી પરિદૃશ્યને એક કરવા, નવીનતા લાવવા, નેતૃત્વ કરવા અને પરિવર્તન લાવવા માટે લીડર્સને એક સાથે લાવવાનો પ્રયાસ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના અધિક સચિવ ડી.થારાએ આ કોન્કલેવમાં પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં સસ્ટેનેબલ શહેરી વિકાસ માટે નાગરિકોએ પણ પોતાનું સક્રીય યોગદાન આપવું પડશે. કચરો, ટ્રાફિક, ગ્લોબલ વોર્મિંગની અસરો સહિતની આપણા શહેરોની સમસ્યાઓના ઉકેલ માટે આપણે સૌએ સાથે મળીને કાર્ય કરવું પડશે. એક નાગરિક તરીકે આપણે એ વિચારવું જોઈએ કે કેવી રીતે આપણે આપણા ઘરથી જ નાના નાના પગલાઓ લઈને શહેરી વિકાસમાં યોગદાન આપીએ. આપણે કચરાનો યોગ્ય નિકાલ, પાણીનો બચાવ, વૃક્ષારોપણ, ટ્રાફિક નિયમોનું પાલન જેવી ફરજો સભાનપણે અદા કરવી પડશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઔડા ચેરમેન તરીકેના કાર્યકાળમાં શહેરના વિકાસ માટે મંજૂર કરાયેલા માસ્ટર પ્લાનનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે આ માસ્ટર પ્લાનના લીધે તથા એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમના લીધે આજે અમદાવાદમાં ૧૦ ટકાથી વધુ સ્લમ વિસ્તારો રહ્યા નથી. તેમણે આગામી સમયમાં અર્બન રેઝિલિયન્ટ ટાઉન પ્લાનિંગની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે SRFDCLના ચેરપર્સન આઈ.પી. ગૌતમે પોતાના વિચાર અને અનુભવ અંગે વાત કરતાં કહ્યું કે, ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસને ખૂબ મહત્ત્વ આપ્યું, જેના કારણે આજે ગુજરાતનાં તમામ શહેરોનો વિકાસ થઈ રહ્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે નરેન્દ્ર મોદીની શહેરી વિકાસ આધારિત નીતિઓને કારણે આજે ગુજરાત સહિત અમદાવાદને ખૂબ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ મળ્યા છે. જેની આજે માત્ર ભારત દેશમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સ્વાગત પ્રવચન કરતા દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલા મેયર, શહેરી વિકાસ વિભાગના પદાધિકારીઓ સહિત સૌને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં નેશનલ અર્બન કોન્કલેવ અને મેયરલ સમિટનું આ આયોજન ગૌરવપૂર્ણ બાબત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં અમદાવાદ શહેરને હેરિટેજ સિટી અને ક્લિનેસ્ટ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે.

વધુમાં કમિશ્નરે જણાવ્યું હતું કે ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તેમની દૂરદર્શિતા, પ્રતિબદ્ધતા અને તેમનાં જીવન મૂલ્યોમાંથી પ્રેરણા લેતાં આજે આ રાષ્ટ્રીય કક્ષાના કોન્કલેવ અને સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વિવિધ શહેરોની બેસ્ટ પ્રેક્ટિસીસના આદાનપ્રદાનનો આ અવસર છે. આ કાર્યક્રમમાં સુયોજિત શહેરી વિકાસ અને શહેરી વિકાસના ભવિષ્ય માટે વિચારમંથન કરવામાં આવશે. અર્બન પ્લાનિંગ, સસ્ટેનેબિલિટી, ઇન્કલુસિવિટી, ટેક્નોલોજી ઉપયોગ જેવા વિવિધ મુદ્દાઓ પર હકારાત્મક મનોમંથન કરવામાં આવશે. સાથે જ, તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષ તરીકેના કાર્યકાળના વિવિધ મહત્ત્વપૂર્ણ નિર્ણયો અને પહેલોને આ પ્રસંગે યાદ કર્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ભારતના શહેરી પરિદૃશ્યને એક કરવા, નવીનતા લાવવા, નેતૃત્વ કરવા અને પરિવર્તન લાવવા માટે લીડર્સને એક સાથે લાવવાનો છે. આ સમિટ દરમિયાન ભારતીય અને આંતરરાષ્ટ્રીય શહેર મેયર્સ, કમિશનરો તેમજ પ્રતિનિધિઓ એકસાથે મળી શહેરોની ભવિષ્યની યોજના પર વિચારવિમર્શ કરશે.

આ કોન્ક્લેવના પ્રારંભ પ્રસંગે દેશભરના રાજ્યોના મહાનગરોના મેયર, કમિશનરો, શહેરી વિભાગના એક્સપર્ટ તેમજ પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા હતા.