ધંધુકા ખાતે ધારાસભ્ય કાળુસિંહ ડાભીની ઉપસ્થિતિમાં પીએમ સ્વનીધિ યોજનાના લાભાર્થીને ચેક વિતરણ કરાયું
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે પંચાયતનાં પ્રમુખ કંચનબા વાઘેલાના હસ્તે રૂ. ૮૦૮.૪૩ લાખથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી અર્પણ કરી, નવા મંજૂર થયેલ આવાસના લાભાર્થીઓને મંજૂરીપત્રો એનાયત
વિકાસ સપ્તાહ- ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત આજે ધંધુકા ખાતે અમદાવાદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ કંચનબા વાઘેલાના હસ્તે રૂ. ૮૦૮.૪૩ લાખથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધંધુકાના ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય માનવીના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ બનાવીને એનો લાભ સીધો જ લાભાર્થીઓને પ્રાપ્ત થાય તે મુજબનું આયોજન કર્યું છે.

ધારાસભ્યએ ભૂતકાળને યાદ કરતાં જણાવ્યું હતું કે, આજથી ૨૫ વર્ષ પહેલાં ધંધુકા તાલુકાની કેવી દુર્દશા હતી કે આ વિસ્તાર વિશે એક કહેવત પ્રખ્યાત થઈ ગઇ હતી કે, 'દીકરીને બંદૂકે દેવી, પરંતુ ધંધુકે ન દેવી' કારણ કે ધંધુકા વિસ્તારમાં પાણીની અનેક વિકટ સમસ્યાઓ હતી. પરંતુ આજે ચોમેર વિકાસ દેખાઇ રહ્યો છે એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આભારી છે તેમણે ઉમેર્યું હતું.
ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વમાં આજે સમગ્ર દેશમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ઉદ્યોગ સહિત તમામ ક્ષેત્રોમાં સમતોલ વિકાસ થયો છે. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણ અને આરોગ્યને લગતી અનેક યોજનાઓ અમલી બનાવી છે. મુદ્રા યોજના અને એમ.એસ.એમ.ઇ. થકી યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૧.૦ અંતર્ગત ધંધુકા નગરપાલિકામાં કુલ ૪૮૭ લાભાર્થીઓના આવાસો મંજુર થયેલા છે. આ લાભાર્થીઓને સરકારશ્રી દ્વારા રૂ. ૩.૫૦ લાખની સહાય આપવામાં આવશે. આ વિસ્તારમાં આવાસ બનાવવા માટે સરકારશ્રી દ્વારા રૂ. ૧૭.૪૫ કરોડની સહાય આપવામાં આવી હતી. જેના થકી લાભાર્થીઓના ઘરનું ઘર મળતાં પોતાના સપના પુરા થયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ અંતર્ગત લાભાર્થીઓને પોતાની માલીકીની જમીન પર આવાસ બનાવવા માટે સરકારશ્રી દ્વારા રૂ. ૪ લાખની સહાય આપવામાં આવશે. ધંધુકા નગરપાલિકા દ્વારા હાલ ૭૩ લાભાર્થીઓના આવાસ મંજુર થયેલા છે. આ લાભાર્થીઓને સરકારશ્રી તરફથી ૨.૯૨ કરોડની સહાય આપવામાં આવી હતી.

પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓમાં જીતુભાઈ ઠાકોરને રૂ. ૫૦,૦૦૦/-, પાનારા સાબીર હુસેનને રૂ. ૨૫,૦૦૦/- અને વિષ્ણુભાઈ રબારીને રૂ. ૧૫,૦૦૦/-ના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમિલાબેન મકવાણા, ધંધુકા નગરપાલિકાના પ્રમુખ પારૂલબેન આદેશસરા, ઉપપ્રમુખ ગજરબેન ચૌહાણ, કારોબારી ચેરમેન રાજુભાઇ પરમાર, પ્રાંત અધિકારી વિદ્યાસાગર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કોરડીયા, જિલ્લા આયોજન અધિકારી શ્રધ્ધાબેન, અગ્રણીઓ નેહલભાઈ શાહ અને યુવરાજસિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી વિકાસ રામબચન કુમાર, એ.પી.એમ.સી. ચેરમેન ચેતનસિંહ ચાવડા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


