આજ રોજ SIRની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી. 5.60 લાખ નવા મતદારો ઉમેરાયા

આજ રોજ SIRની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી. 5.60 લાખ નવા મતદારો ઉમેરાયા

ગાંધીનગર તા. 17

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ આજ રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી હક્ક-વાંધા-દાવાઓ તા.19/12/2025થી 30/01/2026 દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.10મી ફેબ્રુઆરી,2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલ પણ કરવામાં આવ્યો હતો.
આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવાના પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું કે, સૌથી પહેલા ગુજરાત રાજ્યના તમામ નાગરિકો આ ઝુંબેશમાં અભૂતપૂર્વ સહકાર આપવા બદલ આભાર અને અભિનંદનના હકદાર છે. મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી નિયત સમયમાં પૂર્ણ થાય તે માટે 34 જિલ્લા ચૂંટણી અધિકારી, 182 મતદાર નોંધણી અધિકારી, 855 સહાયક મતદાર નોંધણી  અધિકારી, 50,963 BLO તથા અનેક સ્વંય સેવકોની સક્રિય સહભાગિતા રહી છે.રાજ્યના મતદારોનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે. મીડિયા, રાજકીય પક્ષો તથા અન્ય સંગઠનોનો પણ સહયોગ મળ્યો છે.જેના ફળ સ્વરૂપ નિયત સમયર્યાદામાં કુલ 5,08,43,436 મતદારો પૈકી 4,34,70,109  મતદારો પાસેથી ગણતરી ફોર્મ મળ્યા હતા.આ તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું હતું.
BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા બે જગ્યાએ મતદાર તરીકે નોધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં.મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5,08,43,436 મતદાર નોંધાયેલા હતા.મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયાં બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહેવા પામી હતી અને આખરી મતદાર યાદીમાં 4,40,30,725 મતદારોના નામ રહેવા પામ્યા છે. આમ, મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ 5.60 લાખ મતદારોનો વધારો (Net Addition) આખરી મતદાર યાદીમાં થયો છે.    
SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દરમિયાન  અવસાન પામેલા, કાયમી સ્થળાંતર કરી ગયેલા, ગણતરી દરમિયાન ગેરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બૂથ લેવલ ઓફિસર અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ જિલ્લાઓમાં આ પ્રકારની બેઠકોના અંતે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી હતી.
સતત સાડા ત્રણ માસ ચાલેલી કવાયત બાદ તા.1-1-2026ની લાયકાતની તારીખના આધારે આજરોજ આખરી મતદાર યાદી તમામ મતદાન કેન્દ્રો સહિત દરેક નિર્ધારીત સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવી છે. આખરી મતદાર યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ http://ceo.gujarat.gov.in ઉપર પણ પ્રસિધ્ધ કરવામાં આવી છે.જેની ઉપર મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે.
દરેક જિલ્લામાં આખરી મતદાર યાદીની બે નકલો (1 ફોટાવાળી પ્રિન્ટેડ તથા 1 ફોટા  વગરની સોફ્ટ કોપી) તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સુપ્રત કરવામાં આવી છે. SIR દરમિયાન મળેલા નાગરિકોના અધ્યતન ફોટોગ્રાફ પણ આગામી મતદાન યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. મતદાર યાદીમાં થયેલો જિલ્લાવાર બદલાવ નીચે પ્રમાણે છે.
(જિલ્લાવાર આખરી મતદાર યાદીના આંકડાઓ)
આમ, તા.1-1-2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પુરા કરનાર યુવાનો આગામી સમયમાં પણ ફોર્મ નં.6 ભરીને તેઓનું નામ ભવિષ્યમાં પ્રસિદ્ધ થનારી મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે. વખતો-વખત કરવામાં આવતા સતત સુધારણા અંતર્ગત નાગરિકો પણ ફોર્મ નં 6,7 અને 8 ભરી શકશે.
મતદારોને ખાસ જણાવવાનું કે, આપનું નામ આખરી મતદાર યાદીમાં નીચે દર્શાવેલ માધ્યમ વડે ચકાસી શકો છો.
•       વેબસાઇટ http://ceo.gujarat.gov.in
•       વોટર પોર્ટલ : voters.eci.gov.in
•       ECINET App
•       BLO પાસેથી
•       જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી
જો આપનું નામ આખરી મતદાર યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકો છો.
જો આખરી મતદાર યાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઇ ભૂલ હોય તો ફોર્મ નં.8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાય છે.
આખરી મતદાર યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં.7 ભરીને અરજી કરી શકાશે.
આમ, ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની શુદ્ધતા, આધુનિકતા અને સર્વ સમાવેશિતા માટે હાથ ધરવામાં આવેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશને સફળ બનાવવા માટે ચૂંટણી તંત્રના તમામ અધિકારીઓ, કર્મચારીઓ બુથ લેવલ ઓફિસર્સ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની પ્રશંસનીય કામગીરી જોવા મળી છે.