ગૌમાંસ પ્રકરણમાં દ્વારકા તાલુકાના ૪૨ ગામના સરપંચોએ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન : કડક પગલાની માંગ
દ્વારકા તા.૧૭
દ્વારકા નજીકના રૂપેણ બંદર વિસ્તારમાં ગત સપ્તાહે ૫૦ કિલો જેટલા ગૌમાંસના જથ્થા ઝડપાયા અંગે ગૌપ્રેમીઓ તથા સ્થાનીકોનો રોષ દિન-પ્રતિદિન વધી રહયો છે. આજરોજ દ્વારકા તાલુકાના ૪૨ ગામોના સરપંચો તથા પંચાયતના સભ્યો, સામાજિક આગેવાનો દ્વારા તાલુકા પંચાયત કચેરીથી પ્રાંત કચેરી સુધી વિશાળ રેલી યોજી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યાનુસાર દ્વારકા યાત્રાધામ પવિત્ર ભૂમિ હોય તીર્થભૂમિની પવિત્રતા જાળવવા હેતુ યાત્રાધામ તથા આસપાસના વિસ્તારોમાં કોઈપણ પ્રકારના માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ મૂકવા તેમજ આ પ્રકરણના દોષીઓ સામે સખ્ત દાખલારૂપ પગલા ભરવા તેમજ ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસની માંગ કરવામાં આવી છે.


