વેરાવળ જીઆઈડીસીની મરીન કંપનીના પૂંઠાના ગોડાઉનમાં ભીષણ આગથી અફરાતફરી મચી
ફાયર વિભાગની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી : જીઆઈડીસીમાં કાર્યરત કંપનીઓમાં સેફટી-ફાયરની નીતિ નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની ચર્ચા
વેરાવળ તા.૧૭
વેરાવળ જીઆઈડીસીમાં બપોરે જીન્ની મરીન નામની ફિશ એક્ષપોર્ટ કંપનીના આર.કે. પ્લોટ વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની મળતી માહિતી મુજબ ફિશ એક્ષપોર્ટ માટે ઉપયોગમાં લેવાતા પૂંઠાના બોક્સનું ગોડાઉન હતું. અંદાજે ૧૨:૩૦ વાગ્યાના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં મોટી માત્રામાં પૂંઠા ઉપરાંત બાજુમાં પ્લાસ્ટિકનો પણ ભરપૂર જથ્થો સંગ્રહિત હતો. જેને કારણે આગ વધુ ફેલાય તેવી ભીતિ ઉભી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર બીગ્રેડની ટીમના ફાયર મેન વિજય કોડિયાતર અને નરેન્દ્રસિંહ આછડીયા સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટર્સે વોટર બ્રાઉઝર વડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સમયસર આગ પર નિયંત્રણ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હોવાનું પ્રાથમિક અંદાજ છે. જો આગ વધુ પ્રસરી હોત તો ગોડાઉનની બાજુમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો સંગ્રહિત હતો જેમાં આગ પહોંચી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. ફાયર બીગ્રેડની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના અંગે જેન્ની મરીન રો મટીરીયલ ડિપાર્ટમેન્ટના સુપરવાઈઝર પંકજ ડોડીયાના જણાવ્યા મુજબ અમારી કંપનીના વેસ્ટજ માલ સમાન માટે બાજુમાં જ આવેલ આર.કે. પ્લોટ તરીકે ઓળખાતા વિસ્તારમાં ગોડાઉન આવેલ છે જેમાં વેસ્ટજ પૂંઠાના બોક્સ અને પ્લાસ્ટિક મટીરીયલ સ્ટોરેજ કર્યું હતું, બપોરે અચાનક ઇલે. વાયરિંગમાં શોર્ટ સકિર્ટના કારણે આગ લાગી હોવાનું અમારૂ પ્રાથમિક અનુમાન છે. ઘટના બનતા અમો એ તાત્કાલિક ફાયર બીગ્રેડને જાણ કરી હતી દરમિયાન અમારી કંપનીમાંથી વોટર ટેન્કર મંગાવી ૨૦ થી ૨૫ લેબર મારફતે ડોલ વડે પાણીનો મારો ચલાવ્યો હતો દરમિયાન ફાયર બીગ્રેડની ટિમ આવી પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. સ્થળ પર થોડા સમય માટે ગભરાટનો માહોલ રહ્યો હતો. આસપાસના ગોડાઉન માલિકો અને મજૂરોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. સદનસીબે, હાલ સુધી કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાની માહિતી પ્રાપ્ત થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ વીજ શોર્ટ સકિર્ટ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ સત્તાવાર પુષ્ટિ હજી બાકી છે. આ ઘટનાને પગલે જીઆઈડીસી વિસ્તારમાં નીતિ-નિયમોના ઉલ્લંઘનનો વધુ એક કિસ્સો સામે આવ્યો હોવાની ચર્ચા છે. જોખમી અને જ્વલનશીલ સામગ્રી નિયમ વિરૂદ્ધ રીતે સંગ્રહિત કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.


