લોહપુરૂષ સરદાર પટેલ માત્ર ભારત માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણા: યુનાઈટેડ નેશન્સના એમ્બેસેડર ડૉ. ઈવાન્સ અફેદી

‘સરદાર @૧૫૦‘ યુનિટી માર્ચમાં યુવાનોની ભાગીદારીની પ્રશંસા કરતા ડૉ. ઈવાન્સ અફેદી

લોહપુરૂષ સરદાર પટેલ માત્ર ભારત માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણા: યુનાઈટેડ નેશન્સના એમ્બેસેડર ડૉ. ઈવાન્સ અફેદી

(જી.એન.એસ), સ્ટેચ્યુ ઓફ યુનિટી / ગુજરાત,  તા.૦૮ 
સરદાર @૧૫૦ યુનિટી માર્ચના ભવ્ય સમાપન સમારંભમાં વૈશ્વિક સ્તરની પ્રતિષ્ઠિત પ્રતિભા એવા યુનાઈટેડ નેશન્સના એમ્બેસેડર ડૉ. ઈવાન્સ અફેદીએ હાજરી આપી સરદાર વલ્લભભાઈ પટેલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ડૉ. ઈવાન્સ અફેદીએ ભારતના ૫૬૨થી વધુ દેશી રજવાડાંઓને એક કરીને ભારતને રાષ્ટ્રીય એકતાની અખંડિત ઓળખ આપનાર આયર્ન મેન ઓફ ઇન્ડિયા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ પ્રત્યે તેમણે ઊંડો આદર વ્યક્ત કર્યો. તેમણે સરદાર સાહેબને અંજલિ આપતા કહ્યું કે, લોહપુરૂષ સરદાર પટેલ માત્ર ભારત માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણા છે. આજના સમારંભમાં ઉમટી પડેલા યુવાનો, એકતાના નારા, ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ અને અવિરત દેશપ્રેમે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત‘ની સંકલ્પનાને સાકાર કરે છે. 
ડૉ. ઈવાન્સ અફેદીએ કહ્યું કે, ભારત સરકારના રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત યુનિટી માર્ચ માત્ર સરદાર વલ્લભભાઈની સ્મરણયાત્રા નથી, પરંતુ યુવાનોના હૃદયમાં દેશભક્તિની જ્યોત જગાવતી અનોખી તીર્થયાત્રા છે. તેમણે વધુ ઉમેર્યું કે, યુવાનોનો આ ઉમળકો ભારતના ભવિષ્યને શક્તિ આપે છે, અને આ અભિયાન એકતા, અનુશાસન અને રાષ્ટ્રભાવનાના મૂલ્યોને નવી પેઢીને વારસામાં અર્પે છે. સરદાર પટેલના આદર્શ વિચારો વિશ્વની એકતા અને શાંતિ માટે વર્તમાન સમયમાં પણ પ્રસ્તુત છે. 
સરદાર @૧૫૦ યુનિટી માર્ચના સમાપન સમારોહના સાક્ષી બનવું મારા માટે ગૌરવની વાત છે. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનથી હું અત્યંત પ્રભાવિત થયો છું. રાષ્ટ્રીય એકતા પ્રત્યે સરદાર સાહેબનો અડગ વિશ્વાસના કારણે ૫૬૨થી વધુ દેશી રજવાડાઓને એક કરી શક્યા અને અખંડ ભારતના નિર્માણ જેવી ઐતિહાસિક ઘટનાને વૈશ્વિક ઇતિહાસમાં અનોખું સ્થાન અપાવ્યું છે. આજે અહીં ઉપસ્થિત યુવાનોમાં મેં સરદાર પટેલનો જ આત્માવિશ્વાસ અનુભવ્યો. સરદાર પટેલ માત્ર ભારતના નેતા નથી પણ તેઓ સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણા છે.