જૂનાગઢ જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજિત ભરતીમેળામાં ૨૯૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
જૂનાગઢ, તા.૧૭
જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરીદ્વારા માતૃશ્રી જે.એસ. ગોધાણી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સરદારપરા, જાેષીપુરા, જૂનાગઢ ખાતે નોકરી દાતાઓ અને રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બનવાના હેતુથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળામાં ૩૨૬ ઉમેદવારો હાજર રહી વિવિધ ખાનગી ક્ષેત્રની કંપનીઓ સમક્ષ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. જેમાંથી ૨૯૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં હતી.
આ ભરતીમેળા માટે જિલ્લાના ૫૦૦૦થી વધુ ઉમેદવારોને ઇ-મેઇલ અને સોશિયલ મીડિયા મારફતે ઇન્ટરવ્યૂ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી કુલ ૩૨૬ ઉમેદવારો હાજર રહ્યા હતા.ભરતીમેળામાં વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ તથા કૌશલ્યના આધારે ૨૯૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી ઉમેદવારોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. રોજગાર અધિકારી ડી.એ. પરમાર તેમજ કોલેજના પ્રિંસિપાલ જમકુબહેન સોજીત્રા દ્વારા પણ કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


