જૂનાગઢની હોટલ બેલેવ્યુ સરોવર પોર્ટીકોને સરકારે લિકર લાયસન્સ આપ્યું

દારૂનાં પરમીટ ધારકો, પરપ્રાંતિય અને વિદેશી પ્રવાસીઓને જૂનાગઢ શહેરમાં પ્રવેશતા જ સરળતાથી દારૂ ઉપલબ્ધ થશે !

જૂનાગઢની હોટલ બેલેવ્યુ સરોવર પોર્ટીકોને સરકારે લિકર લાયસન્સ આપ્યું

જૂનાગઢ તા. રપ

જૂનાગઢ શહેરમાં આવેલી ફાઈવસ્ટાર હોટલ સરોવર પોર્ટીકોને ગુજરાત સરકારે લિકર લાયસન્સ આપ્યું છે. જૂનાગઢ શહેરની મધ્યમાં  આવેલી સરોવર પોર્ટીકો હોટલમાંથી હવે દારૂની પરમીટ ધારકો, વિદેશી પ્રવાસીઓને હવે સરળતાથી દારૂ મળી શકશે. જૂનાગઢ શહેર - જીલ્લો પ્રવાસનનું કેન્દ્ર હોય, પ્રતિવર્ષ લાખો લોકો શહેરની મુલાકાતે આવે છે. ત્યારે ફાઈવસ્ટાર હોટલમાં શરાબની ઉપલબ્ધતાથી પરમીટ ધારકો અને પ્રવાસીઓને કાનૂની રીતે દારૂ ઉપલબ્ધ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ શહેર, જીલ્લો તેમજ ગીર સોમનાથ જીલ્લા સહીત અંદાજીત ૪૫૦ લોકો પાસે દારૂની પરમીટ છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લાની આજુબાજુનાં વિસ્તારમાં પણ નોંધપાત્ર સંખ્યામાં પરમીટ ધારકો રહે છે તેમના માટે જૂનાગઢ શહેરમાં પ્રવેશતા જ દારૂ સરળતાથી ઉપલબ્ધ બનશે. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાત સરકારે છેલ્લા કેટલાક સમયથી લિકર પોલિસીમાં હળવી નીતિ અખત્યાર કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ - ગાંધીનગર સ્થિત ગીફટ સીટી ઉપરાંત રાજયની ફાઈવસ્ટાર હોટલોને હવે લિકર પરમીટ આપવામાં આવી રહી છે.