જૂનાગઢનાં કેટરીંગ વ્યવસાયકારોને ગેસ સીલીન્ડરનાં બુકીંગમાં ભારે મુશ્કેલી : આવેદનપત્ર અપાયું
બજારમાં ગેસનો જથ્થો પુરતો હોવા છતાં એજન્સીઓ દ્વારા બુકીંગ ન લેવાનાં કારણે કૃત્રિમ અછત સર્જાઈ છે : કેટરીંગનાં વ્યસાયકારો મુશ્કેલીમાં
જૂનાગઢ તા. ૩૦
યુધ્ધના માહોલ વચ્ચે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રનાં અનેક શહેરોમાં ગેસનાં સીલીન્ડર નોંધાવવા બાબતની મુશ્કેલીઓ પડી રહી છે. યુધ્ધની અસરને પગલે જુદા જુદા વ્યવસાયકારોને થોડા ઘણા અંશે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. આ દરમ્યાન કેટરીંગનાં વ્યવસાય સાથે સંકળાયેલા વ્યવસાયકારોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. ખાસ કરીને ગેસ સીલીન્ડર બુકીંગની જે મુશ્કેલી છે તેને લઈને આજે જુનાગઢ કેટરીંગ એસોસીએશન દ્વારા જીલ્લા પુરવઠા અધિકારીને એક આવેદનપત્ર પાઠવી અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
શુભ પ્રસંગો તેમજ આગામી વૈશાખ માસમાં લગ્નગાળાની મૌસમ શરૂ થઈ રહી છે. અને જેને લઈને કેટરીંગનાં વ્યવસાયકારોને હાલ બુકીંગ માટેનો સમય ચાલી રહયો છે. પરંતુ ગેસ સીલીન્ડરોની જે આજે મુશ્કેલી ઉભી થઈ છે તેને લઈને કેટરીંગનાં વ્યવસાયકારોને ઓર્ડર નોંધી શકતા નથી. અને એક તકે સીઝનમાં જ આ વ્યસાયી પડી ભાંગે તેવી સ્થિતિ સર્જાણી છે. દરમ્યાન જૂનાગઢ કેટરીંગ એસો. દ્વારા જીલ્લા પુરવઠા અધિકારીને આજે આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. આ આવેદનમાં રજુઆત કરતા જણાવેલ છે કે જૂનાગઢમાં કેટરીંગ સાથે હજારો પરીવારોની રોજી રોટી જાેડાયેલી છે. લગ્નસરા અને સામાજીક પ્રસંગોની સીઝન પુરબહારમાં ચાલી રહી છે ત્યારે સ્થાનિક ગેસ એજન્સીઓ દ્વારા કોમર્શીયલ ગેસ સીલીન્ડરનું બુકીંગ લેવામાં આવતું નથી. વેપારીઓ જયારે બુકીંગ માટે સંપર્ક કરે છે ત્યારે એજન્સીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. બજારમાં ગેસનો જથ્થો પુરતો હોવા છતાં એજન્સીઓ દ્વારા બુકીંગ ન લેવાના કારણે કૃત્રિમ અછત જેવી સ્થિતિ સર્જાય છે. ગેસનાં અભાવે ઓર્ડર પુરા ન કરી શકવાના કારણે કેટરીંગ સંચાલકોને ભારે આર્થિક નુકશાન સહન કરવું પડે છે તેવી રજુઆતો કરવામાં આવી છે અને આ બાબતે આપના માધ્યમથી સરકારમાં રજુઆત કરી અને તાત્કાલીક અસરથી આ બાબતે યોગ્ય કરવાની માંગણી કરવામાં આવી છે.


