ભવનાથમાં મોડીરાત્રે સ્કોર્પિયો ડિવાઇડર સાથે અથડાઈ, ચાલકને ઝોકું આવતા અકસ્માત  સર્જાયો

ભવનાથમાં મોડીરાત્રે સ્કોર્પિયો ડિવાઇડર સાથે અથડાઈ, ચાલકને ઝોકું આવતા અકસ્માત  સર્જાયો

જૂનાગઢ તા.24
જુનાગઢ શહેરમાં ગઈકાલે વરસાદી માહોલ વચ્ચે વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યે ભવનાથ રોડ પર એક સ્કોર્પિયો કાર અકસ્માતનો ભોગ બની હતી. આ બનાવમાં વાહન રોડના ડિવાઇડર સાથે જાેરદાર રીતે અથડાતા ડિવાઇડર તથા ત્યાં આવેલો વીજ થાંભલો પણ નુકસાનગ્રસ્ત થયો હતો.
આ અંગેની મળતી વિગત અનુસાર રાજકોટના કેટલાક યુવાનો સ્કોર્પિયો કારમાં ભવનાથ દર્શન અને ફરવા માટે આવ્યા હતા. ભવનાથથી પરત જુનાગઢ શહેર તરફ આવી રહ્યા હતા ત્યારે પાંજનાકા પુલ નજીક સ્કોર્પિયોના ચાલકને અચાનક ઝોકું આવી જતાં વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર સીધી ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ચાલકને ઝોકું આવવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાેકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. વાહનને ભારે નુકસાન પહોંચ્યું છે અને ડિવાઇડરને પણ નુકસાન થતા થોડા સમય માટે ટ્રાફિક પર અસર જાેવા મળી હતી.
વરસાદી માહોલ, ઓછી દૃશ્યતા અને મોડી રાત્રિના સમયે લાંબા અંતરની મુસાફરી દરમ્યાન વાહનચાલકોએ પૂરતો આરામ કર્યા બાદ જ વાહન ચલાવવું જાેઈએ. ઊંઘ, થાક અથવા બેદરકારીના કારણે થતા અકસ્માતો ટાળવા માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. લોકોએ સાવચેતી જાળવવા અપીલ છે.